ભાવનગર જીલ્લાના જેસર તાલૂકામાં આવેલુ બિલા ગામ,
હે જી મારા નાનપણના ગામ, મારા બાળપણના ધામ, બિલા ગામ તને કરુ પ્રણામ !
મને મારુ વતન, મરુ ગામડું ખુબ જ વ્હાલું છે, મારા સપનાઓ પુરા કરવા હું ગામડું છોડીને શહેરમાં ગ્યો છતાં મારું વતન ગામડું હંમેશા યાદ આવતું હોય છે, બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદ મારી સાથે હંમેશા રહેતી હોય છે, બાળપણના મિત્રો, ગામની શેરીઓ, મોટા ચોક, શાળાઓ, મંદિરો, રમતના મેદાનો, ગામની નાની નાની દુકાનો, વડીલો, ભવાઈઓ, નવરાત્રીની મંડળી, ગામનુ પાદર, બસ સ્ટેન્ડ મારા મનમાં ખુબજ નાજુકાઈ થી કોતરાઈ ગ્યું છે, એ અવિસ્મરણીય છે, જીવનની ભાગ દોડમાં હું જયારે કંટાળી જાવ છુ ત્યારે એ યાદો મારા ચહેરા પર સ્મિત લાવી આપતી હોય છે, જીવનમાં ખુશીનું કારણ ન મળે ત્યારે મારું પોતાનું ગામ, મારું વતન સાંભરે છે, જયારે હુ તહેવાર કરવા, પ્રસંગમાં કે પછી વેકેશન ગાળવા માર ગામમાં પ્રવેશુ ત્યારે એના ચહેરાની ચમક જ ઘણું કઈ જતી હોય છે, ત્યારે મારુ વતન, મારું ગામ મને જનનીની જેમ વ્હાલું છે.
મારુ ગામ ભાવનગર જિલ્લાનાના છેવાળાના ગામોમાનું એક છે, ગામની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરું તો મારું ગામ બાપાસીતારામ બગદાણા ધામ થી ત્રીસ કી.મી. દૂર છે, ગામમાં બે નદી માલણ અને કોબલી ગામની ચારે દિશામાં આવેલી છે, એક પ્રથમીક શાળા, અને એક હાઇસ્કુલ બાળકોના અભ્યાસ માટે ઉપલબ્ધ છે, જ્યાં મેં જીવનમાં એક થી દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. ગામમાં પશ્ચિમ દિશામાં સ્વામિનારાયણ ભગવાન નું મંદિર, ઉતર દિશા માં રામજી મંદિર અને પુર્વ દિશા મહાદેવનું મંદિર આવેલુ છે, જ્યાં લોકો રોજ સવારે તહેવારોમાં અને શ્રાવણ માસમાં ભગવાન પાસે પ્રાર્થના કરતા નજરે પડે છે મુસ્લિમ સમુદાય માટે મસ્જિદ આવેલી છે, જ્યાં લોકો દિવસ દરમિયાન ફજર, ઝોહર, અસર , મગરીબ અને ઈશાં એમ પાંચ નમાજો પઢતા નજરે પડે છે. ગામમાં આ ઉપરાંત સરકરી દવાખાનું, સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનો, નાની બજાર, ક્રિકેટ રમવા માટેનું નાનું મેદાન, ગ્રામ્ય પંચાયત જેવી સુવિધાઓ પણ છે.
મારા બિલા ગામ ના લોકલાડીલા સરપંચ શ્રી આર.પી. રાદડીયા પણ ગામમા સારું કામ કર્યું છે, અને આપણા દેશના સૈનિકો દેશ ની બોડરે અડીખમ ઉભા રહી પોતાની ફરજ બજાવે એવા સમાન મારા બિલા ગામ સામાજીક કે કોયના વ્યક્તિગત કામો મા સહાય રૂપ બનતા અને દેશના સૈનિકો ની યાદ દેવરાવે એવા બિલા ગામ ના સૈનિક શ્રી રવજીભાઈ કાછડીયા, ભરતભાઈ તળાવિયા, ભાવેશભાઇ તળાવિયા, દુલાભાઈ કાછડીયા, સંજયભાઈ રાદડીયા, લલીતભાઈ કાછડીયા, શંભુભાઈ કાછડીયા (ભગત), બધા જે ગામના કાર્ય મા મદદરૂપ બનતા એવા હરેક સૈનિક એનો હુ હદયપુર્વક આભાર માનું છું.
મારા ગામમાં મોટાભાગે લોકો ખેતી પર નિર્ભર છે, કોઈ પોતાની માલિકીની જમીન ખેડી ગુજરાન ચલાવે, તો કોઈ જમીનોના નાના નાના ટુકડાઓ ભાગવા રાખી અને એમાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે, જેની પાસે જમીન કે ધંધો નથી એવા લોકો કોઈને ત્યાં નોકરી કરી, કોઈના સાથી બની કે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અમુક લોકો દરજી કામ, કરિયાણું, શાકભાજીનો વેપાર, કટલરી-સ્ટેશનરી, મેડિકલ સ્ટોર, દૂધની ડેરી, હેર કટિંગ, નમકીન-ફરસાણ, મોબાઇલ લે-વેચ-રિચાર્જ શોપ ચલાવે છે, મસાલાના ગલ્લાઓ, બાંધકામનો સામાન, ઝેરોક્ષ-સ્ટેશનરી, યજ્ઞ-લગ્ન વિધિ જેવા વ્યવસાયો કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
મારા ગામમાં દરેક વ્યક્તિ એકબીજા પર નિર્ભર છે અને વિવિધ વ્યવસાયો વિવિધ જાતિનાના લોકો ચલાવે છે, એટલે અહીં બધા જ ધર્મ અને જાતિ નિરપેક્ષ લોકો જોવા મળે છે, ગામના ખેતરો પણ એવી રીતે છે કે પટેલની બાજુમાં મુસ્લિમનું ખેતર, મુસ્લિમની બાજુમાં લુહારનું ખેતર, લુહારની બાજુમાં આહીરનું ખેતર, કોઈ એક વ્યક્તિ પણ ખેતરની મુલાકાતે જાય તો બાજુવાળાના ખેતરનું ધ્યાન કરતો આવે, સહકારની નીતિ અહીં જ ખુબ જ સારી રીતે જોવા મળે છે,
ગામમાં દિવાળી, ધુળેટી, હોળી, નવરાત્રી, દશેરા, તાજીયા, જશને ઇદ, શ્રાવણ માસના પ્રવચનો, રમજાન માસની રોનક અને ઉતરાયણની મજા અહીં દરેક લોકો માણે છે, દિવાળીમાં નવા વર્ષની શુભકામનાઓ આપવા જયારે એકબીજાના ઘરે જાય છે ત્યારે લોકો ખુબ જ પ્રેમથી સ્વાગત કરે છે, મારા દાદાના સમયમાં સાકારથી મોઢું મીઠું કરાવતા અને હવે મીઠાઈથી કરાવવામાં આવે છે, આ દર્શાવે છે કે મારા ગામમાં કેટલી ધર્મનિરપેક્ષતા અને એકતા છે.
જે રીતે દરેક સિક્કાની બે બાજુઓ હોય એ જ રીતે ગામની અમુક તકલીફો પણ છે, ગામમાં ઉનાણા ની મોસમ મા પાણી ની થોડી અશત રહે છે.
ચૂંટણીના સમય એ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગામમાં ખુબ હરીફાઈ જોવા મળે છે, માહોલ ક્યારેક ગરમ પણ બની જાય છે, પણ ચૂંટણી પુરી થયા પછી બીજા જ દિવસે બધા હળી મળીને રહે છે, ગામમાં ટ્રેન નથી પણ કોઈપણ નજીકના શહેરમાં જવા માટે જીપ, છકડા, બસ મળી રહે છે, વર્ષો થી સવારે દસ વાગે બિલા થી મહુવા બસ આવે છે, મારા જીવનનો સૌથી વધુ પ્રવાસ મેં આ બસમાં કરેલો છે, ગામના તળાવો અને સિંચાઇ પાણી ની અશતમાં ઉપયોગી બને છે, આજે પણ ઘણા લોકો કુવાનું પાણી પિતા નજરે પડે છે, ગામમાં એક સામુહિક સ્નાનાગર છે, જ્યાંરે પાણીનું સ્તર ઉંચુ હોય ત્યારે મોટર-પંપ વગર ચોવીસ કલાક પાણી આવે છે.
આજે બધાના ધરે ધરે નર્મદાનુ પાણી દરોજ સવારે આવે અને પાણી ની જરૂરિયાત પુરી પાડવામાં આવે છે, ઉનાળામાં ક્યારેક દિવસે અથવા રાત્રે ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે. ભવાઈ મંડળ દ્વારા લોકોના મનોરંજન માટે ઉનાળા ની રાત્રીઓમાં ભવાઈ ભજવવાનું અને લોકોને હસવાનું મનોરંજન કરવામાં આવે છે,શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શિસ્ત, રમત ગમત, સ્પર્ધાઓ, રાષ્ટ્રીય તહેવારોના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપે છે, આથી બાળકોમાં બાળપણથી સેલ્ફ કોન્ફિડન્સ અને લીડરશીહપ જેવા ગુણો વિકસે છે,તો આશે મારું નાનકડુ બિલા ગામ.
જેમાં માલણ નદી ને માલણ ડેમ, એમાં રહે છે સાથે હિંદુ ને મુસ્લિમ !
જેમાં સાથે મળી ને કરે છે ખેતી, એ છે મારું નાનકડુ બિલા !
તો આ હતું મારુ ગામ બિલા તમને કેવું લાગ્યું ? મને જરૂરથી કોમેન્ટમાં જણાવશો.
લિ.
દ્વારકેશ તળાવિયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news