આજે ખોડિયાર માતાજી નોજન્મ દિવસ છે તો આવો આપણે સૌ ખોડિયાર માતાજી ને પ્રાર્થના કરી એમના આશીર્વાદ લઈ માં ખોડિયાર ના જન્મદિવસને વધાવી લઈએ. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં.
જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને?
ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ[પ્રજાપતી] આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.
આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સ્થાનક આવેલાં છે.
આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીનુ ભવ્ય મંદીર ખોડલધામ – કાગવડ, તા. જેતપુર જી. રાજકોટ ખાતે મંદિરનુ નિર્માણ કરેલ છે. જેની મુર્તી પ્રતિષ્ઠા ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે થયેલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube