મહાશિવરાત્રિએ શિવજીને ચડાવવામાં આવતા બીલીપત્રનું વૈજ્ઞાનિક લાભ જાણીને તમે પણ વાવશો બીલાનું વૃક્ષ

મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવની કૃપા મેળવવા માટેનો મહાપર્વ. આ પર્વે, સોમવારે અને શ્રાવણ મહિનામાં બિલાના વૃક્ષના પાંદડા એટલે કે, બિલીપત્રનું દેવાધિદેવ મહાદેવના પૂજનમાં અનેરું મહત્વ છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વે શિવને પ્રિય બિલીનો મહિમા અને રસપ્રદ વાતો જાણવા જેવી છે. શિવજીને પ્રસન્ન કરતાં બિલીપત્રોના દાતા આ વૃક્ષ માનવશરીરની ક્ષેમકુશળતા જાળવવા માટે વરદાનરૂપ ઔષધોનો પણ સ્ત્રોત છે. એટલે ધાર્મિક મહત્વ સાથે આ વૃક્ષના ફળ, પાંદડા, ફૂલ, મૂળ ઔષધ તરીકે બહુવિધ ઉપયોગીતા ધરાવે છે.

લાંબુ આયુષ્ય અને હવામાનની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે ટકી રહેવાની તાકાત ધરાવતા બિલીના વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. આ વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયું અર્પણ કરે છે. બિલી વૃક્ષના ત્રિદલ પર્ણ જાણે કે, શિવજીના શિરે લીલા મુગટનો આભાસ કરાવે છે. ગુજરાતીમાં બિલી કે બિલાના નામે ઓળખાતી આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ aegle marmelos- ઇગલ મારમેલોઝ છે. તે હિન્દીમાં બેલવૃક્ષ અને સંસ્કૃતમાં બિલ્વ ફળ કહેવામાં આવે છે.

બિલીનું વૃક્ષ ઇમારતી લાકડું આપતું નથી એટલે વનવિભાગમાં તેની ગણના ઈત્તર વૃક્ષોમાં થાય છે. ભારતમાં અને ગુજરાતમાં આ વૃક્ષ ખેતરો, ડુંગરો, જંગલો, શિવમંદિરો, આશ્રમો અને લોકોના ઘરના વાડા, કોતર વિસ્તાર એમ સર્વત્રે જોવા મળે છે. શિવ પૂજનમાં તેના પાનની સાથે ફળનું પણ મહત્વ છે. તેના ફળ કોઠા જેવા ગોળ અને નાના લીંબુથી લઈને મોટા નારિયેળના કદના હોય છે. આદિવાસીઓ દ્વારા તેના કાચા ફળનું શાક, અથાણું બનાવવામાં આવે છે. કાચા બિલાને સૂકવીને કાઢવામાં આવેલો ગર્ભ બેલકાચરી દવામાં પણ વપરાય છે. પાકા બિલાના સ્વાદિષ્ટ શરબતથી ઉનાળામાં શરીરને ટાઢક મળે છે. બિલિપત્રનું વેચાણ આવક આપે છે. બિલ્વાદી કવાથ, દશમૂલ કવાથ સહિતની આયુર્વેદિક દવાઓ બનાવવામાં બિલીનો ઉપયોગ થાય છે. આમ, દેવને પ્રિય આ વૃક્ષ આરોગ્યના કલ્પવૃક્ષ સમાન છે.

મહાશિવરાત્રીની પવિત્ર રાત્રિએ બિલીવૃક્ષ પર બેસેલા શિકારીએ સાવ અજાણતાં જ બિલી પત્રનો શિવજી પર અભિષેક કર્યો અને તે મોક્ષને પામ્યો. આપણા આંગણામાં, વાડામાં આ બહુગુણી વૃક્ષ, શિવ વૃક્ષ ઉછેરીને જીવનને સરળ અને સાર્થક બનાવવાની સાથે પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપે છે. વૃક્ષો દ્વારા, વનસ્પતિ દ્વારા ભારતીય સંસ્કૃતિ પરમ ઈશ્વરીય તત્વ સાથે અનુસંધાન સાધે છે જે તેની આગવી વિશેષતા છે. એટલે જ પ્રત્યેક વૃક્ષ, વનસ્પતિ અને જંગલોની સાચવણી અને જાળવણી માનવજીવનને ઉપયોગી પુરવાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *