એલસીબીએ વેલંજામાંથી બે નંબરમાં સળિયાની સંગ્રહ ખોરીના રેકેટનો પર્દાફાશ કર્યો- જાણો સમગ્ર મામલો વિગતે

Surat News: સુરતમાં એલસીબીની ટીમે વેલંજા માંથી બે નંબરમાં સળિયાની સંગ્રહ ખોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલોદનો વિમલ(Surat News) રાજપુરોહિત નામનો ઈસમ વેલંજાના મોરી પેટ્રોલપંપ નજીક વિક્રમ ટ્રેડર્સની જગ્યામાં ઓછી કિંમતે સળિયા મેળવી સંગ્રહ કરતો હતો.ત્યારે એલસીબી પોલીસે 43 લાખના લોખંડના સળિયા ત્રણ વાહનો સહિત અન્ય મળી કુલ 75 લાખ 27 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બાતમીના આધારે આરોપીની ધરપકડ
સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે વેલંજાના મોરી પેટ્રોલ પંપ નજીકનાં વિક્રમ ટ્રેડર્સ વાળી ખુલ્લી જગ્યામાં એલસીબી પોલીસે રેઇડ કરી હતી.પોલીસે વિક્રમ ટ્રેડર્સના કમ્પાઉન્ડમાં અલગ અલગ વાહનોમાં લોખંડના સળિયા ભરેલા વાહનો પાર્ક કરેલા તેમજ અન્ય ટ્રેઇલર માંથી લોખંડના સળિયા ઉતારતા ઇસમોને ઝડપી પાડયા હતા.બાદમાં પોલીસે સ્થળ પરથી ₹.43 લાખની કિંમતના લોખંડના સળિયા ₹.32 લાખની કિંમતના ત્રણ વાહનો સહિત અન્ય મળી કુલ ₹.75 લાખ 27 હજારની કિંમતના મુદ્દામાલ સાથે ચારની અટક કરી બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પકડાયેલ આરોપી
સ્થળ પરથી પકડાયેલા(1)રાજા મહાદેવ પાંડે (રહે.ગુરુકૃપા હોટલ ધામદોડ તા.માંગરોળ)(2)પન્નારામ કેશારામ જાટ ટ્રેલર ચાલક (રહે.સનાવાડા રાજસ્થાન)(3)પુનારામ ચીમનારામ નાયી ટ્રેલર ચાલક (રહે.કરાવડી રાજસ્થાન)(4)શ્રવણ પૂજારામ નાયી (રહે.ભોજાસર રાજસ્થાન) તેમજ પાલોદની ક્રિષ્નારેસીડેન્સી ખાતે રહેતા વિમલ પદ્માજી રાજપુરોહિત અને ધામદોડની ગુરુકૃપા હોટલ ખાતે રહેતા ઘનશ્યામભાઈ વર્માને વોન્ટેડ જાહેર કર્યા હતા.

રૂપિયા 75 લાખ 27 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો
માસ્ટર માઇન્ડ વિમલ રાજપુરોહિત લોખંડ ભરીને જતા વાહનોના ડ્રાઈવરનો સંપર્ક કરી સળિયા ભરેલા વાહનો કમ્પાઉન્ડમાં મોકલતો.જ્યાં કામ કરતો રાજા મહાદેવ વાહનો માંથી સળિયાની ભારી ઉતારી લેતો.જ્યારે અન્ય વ્યક્તિ ઘનશ્યામ વર્માં વાહનો માંથી કાઢેલા સળિયાની કિંમત ચાલકોને ચૂકવી દેતો.ત્યાર બાદ અલગ અલગ વાહનો માંથી કાઢેલા સળિયાનો જથ્થો ભેગા થયા બાદ વિમલ રાજપુરોહિત ટેમ્પામાં ભરી બહાર વેચી દેતો હતો.અલગ અલગ એમ.એમ સાઇઝના 33.હજાર મે. ટનથી વઘુના ₹.43 લાખની કિંમતના લોખંડના સળિયા,₹.32 લાખની કિંમતના બે ટ્રેલર GJ12BV-5530,GJ12BY-9302 તેમજ એક ટેમ્પો GJ16X-4417,20 હજારની કિંમતના ચાર મોબાઇલ સહિત રોકડ રકમ મળી રૂપિયા 75 લાખ 27 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.