સુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત: આઇસરે ટક્કર મારતાં એક પોલીસકર્મીનું મોત, 4 ઘાયલ

Rajkot Police Accident: રાજકોટ રૂરલ એલસીબીની ટીમને સુરત તરફ ફરાર આરોપીને પકડવા જતા હતા તે દરમિયાન અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયાની જાણકારી મળી છે. ઉપરાંત સાથેના ત્રણ પોલીસ (Rajkot Police Accident) કર્મીને ઇજા થઈ છે. વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ કાર ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો
આ અંગે મળતી માહિતી મુજબ, એક આરોપીની તપાસ માટે રાજકોટ એસીબીની ટીમ સુરત જવા રવાના થઈ હતી. ત્યારે એક કારમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડ, અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા અને દિવ્યેશભાઈ સુવા એમ ચારે પોલીસ કર્મી સુરત ગયા હતા.

સુરતમાં સ્થાનિક પોલીસના સહકારથી આરોપીને પકડી રૂરલ એલસીબીની ટીમ કારમાં પરત રાજકોટ આવી રહી હતી.ત્યારે સુરતથી અંકલેશ્વર વચ્ચે કોસંબા પોલીસ મથકની હદમાં રોઝ ગાર્ડન હોટલ અને સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે ધામરોડ વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર એક ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં કારનો કુરચો બોલી ગયો હતો આ દરમિયાન કારમાં સવાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

એક પોલીસકર્મીનું મોત થતા ગમગીની છવાઈ
જ્યારે અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા અને દિવ્યેશભાઈ સુવાને ઇજાઓ પહોંચતા અને સાથેનો આરોપી પણ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા તજવીજ કરી હતી. આ તરફ રાજકોટમાં આ બનાવની જાણ તથા ગમગીની છવાઈ ગઈ છે.

જ્યારે અહીંથી રાજકોટ રૂરલ એલસીબીની ટીમ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ કોસંબા દોડી ગયા છે. બનાવના પગલે રાજકોટ પોલીસ બેડામાં શોક છવાયો છે.