કોરોનાની આ મહામારી દિવસેને દિવસે વિકટ બનતી જાય છે. જેને લોકો ખુબ જ ગંભીરતા અનુભવી રહ્યા છે, પરંતુ આવા સમયમાં હિંમત હારવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. આ કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં લોકોનો માનસિક બોજ ઓછો કરવા અને લોકોને પોઝીટીવ પ્રેરણા આપવી અત્યંત જરૂરી છે. આવા સંજોગોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના આત્મવિશ્વાસને ટકાવી રાખવા માટે સુરત શહેરના લોકલ વોકલ બીઝનેસ ગ્રુપ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે.
લોકલ વોકલ બિઝનેસ ગ્રુપના સ્થાપક આકાશ વઘાસીયા અને અજય ઈટાલીયા દ્વારા આ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે અને સાથે મારૂતિ વીર જવાન ટ્રસ્ટના સાથ અને સહયોગથી સમગ્ર સુરત શહેરમાં 4000 જેટલા બેનરો લગાડવામાં આવેલ છે. જેની સાથે ઘણી સમાજસેવીઓ અને સામાજિક સંસ્થાએ મદદ કરી છે જેને લીધે લોકોને માનસિક રીતે શક્તિ મળી રહે.
લોકલ વોકલ ગ્રુપના સ્થાપક આકાશ વઘાસીયાએ જણાવતા કહ્યું છે કે કોરોનાના આ વધતા સંક્રમણ વચ્ચે લોકોને માનસિક રીતે તૂટી પડે છે અને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, જેને જુસ્સો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા હેતુ અનુસાર અમારા દ્વારા આ 4000 જેટલા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરો સુરતના અલગ અલગ વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે.
આ બેનરો સોસાયટીના ગેટ પર, આઇસોલેશન વોર્ડ પર, સ્મશાનભૂમિમાં, બસ સ્ટેન્ડ પર, સર્કલ પર, ધાર્મિક સ્થળો પર, હીરા બજારમાં, શાક માર્કેટમાં, કાપડની માર્કેટમાં, હોસ્પિટલો સહીત અનેક વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેને લીધે કોરોનાગ્રસ્ત દર્દીના આત્મવિશ્વાસમાં વધારો થાય અને લોકો ભયમુક્ત બને.
અલગ અલગ સ્થળો પર લગાવામાં આવેલ બેનરની અંદરના શબ્દો:-
- હું જીતીશ કારણકે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું.
- હું પરમેશ્વરનુ શ્રેષ્ઠ સર્જન છું મને ઈશ્વરે શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરી છે
- ચડે પડે તોય લડે પણ હારે નહીં એ માણસની જાત.
- આભને ટેકો દેવાની તાકાત રાખું છું ભૂલતી નહીં ઓ મુસીબત હું માણસ છું
- એમ થાકી હારી બેસુ શેનો, જીતું નહીં તો હું માણસ શેનો
- હું પરમેશ્વરનુ શ્રેષ્ઠ સર્જન છું મને ઈશ્વરે શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરી છે