ખેડૂત ડુંગળી વેચવા બેઠો, બોર્ડમાં લખ્યું “નીચી કિંમત રાખવા બદલ સરકાર તારો ખૂબ ખૂબ આભાર”

Published on: 5:41 am, Mon, 10 December 18

હાલમાં દેશમાં ખેડૂતોની હાલત કેટલી ખરાબ છે તેનું એક વધુ એક ઉદાહરણ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યું છે. અહીં એક ખેડૂતે 2,657 કિલોગ્રામ ડુંગળી વેચી ત્યારે તેને રૂ. 6ની કમાણી થઈ હતી. જોકે, આ રકમ ખેડૂતે વિરોધ વ્યક્ત કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મની ઓર્ડર કરીને મોકલી આપી હતી.આ પહેલા પણ એક ખેડૂતે પોતબી સાથે આવું બનતા વડાપ્રધાન મોદીને ડુંગળી વેચયાના રૂપિયા મનીઓર્ડર થી મોકલી દીધા હતા.

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના ખેડૂત શ્રેયસ અભાલેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “તેણે 2657 કિલોગ્રામ ડુંગળી એક કિલોના રૂ. 1 લેખે સંગમનેર હોલસેલ માર્કેટમાં વેચી હતી. આટલી ડુંગળી વેચ્યા બાદ ખર્ચ બાદ કરીને તેની પાછળ રૂ. 6 વધ્યા હતા.”

ખેડૂતે વધુમાં કહ્યું કે, “2,657 કિલોગ્રામ ડુંગળીના બદલામાં મને રૂ. 2,916 મળ્યાં હતા. લેબર ચાર્જ તેમજ ડુંગળીને માર્કેટ સુધી લાવવાનો રૂ. 2910નો ખર્ચ બાદ કરતા મારા પાછળ રૂ. 6 વધ્યા હતા. મેં ડુંગળી ઉગાડવા અને તૈયાર કરવા માટે રૂ. બે લાખનો ખર્ચ કર્યો છે. તેની સામે મને રૂ. 6નું વળતર મળ્યું છે. મને ખબર નથી કે હવે હું મારું દેવું કેવી રીતે ચુકતે કરીશ.” ખેડૂતે ડુંગળી વેચીને મળેલી રકમનો એ જ દિવસે એટલે કે સાતમી ડિસેમ્બરના રોજ મની ઓર્ડર સીએમ દેવેન્દ્ર ફડણવીસને કરી દીધો હતો.

 

નાસિક અને અહેમદનગર જિલ્લામાં ડુંગળીના પાકના રેકોર્ડબ્રેક ઉત્પાદનને કારણે ડુંગળીને કિંમતો તળિયે બેઠી છે. તાજેતરમાં નાસિક જિલ્લાના નિફાદ જિલ્લાના એક ખેડૂતે ડુંગળી વેચીને કરેલી કમાણીની રકમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપી હતી. આ ખેડૂતે તેની ડુંગળ રૂ. 1 પ્રતિકિલો લેખે વેચવી પડી હતી. સંજય સાઠે નામના ખેડૂતે 750 કિલોગ્રામ ડુંગળી વેચીને મળેલી રૂ. 1064ની કમાણી વડાપ્રધાન કાર્યાલયના ડિઝાસ્ટર રિલિફ ફંડમાં દાનમાં આપી દીધી હતી. ખેડૂતોની દયનીય હાલતની ચિતાર રજૂ કરવા માટે ખેડૂતે મની ઓર્ડર કરીને આ રકમ મોકલી આપી હતી.

ખેડૂતે ડુંગળી વેચતી વખતે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતું બોર્ડ રાખ્યું હતું. બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે ડુંગળીની કિંમત નીચી રાખવા બદલ ખૂબ ખૂબ આભાર!