પ્રેમિકાને મળવા આવ્યો અને ઝડપાઈ ગયો, યુવકને થાંભલે બાંધી ફટકાર્યો, વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ

Published on: 8:50 am, Mon, 10 December 18

દાહોદ જિલ્લાના એક ગામનો એક વીડિયો સોશયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. જેમાં એક યુવકને કેટલાક લોકો વીજળીના થાંભલે બાંધીને માર મારી રહ્યા છે. માર મારવામાં મહિલા પણ સામેલ હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામની એક પરિણીતા સાથે નજીકના તાતરી ગામના પરિણિત યુવકના આડા સંબંધો હતા.

દરમિયાનમાં આજે આ યુવક તેની પ્રમિકાને મળવા ચાચકપુર ગામે આવ્યો હતો અને ગામ લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં ગામ લોકોએ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો હતો.

યુવકને ચાચકપુર ગામના લોકોએ પકડીને બાંધ્યો હોવાની જાણ થતા આ યુવકના પરિવારજનો પણ અહીં દોડી આવ્યા હતા.

બાદમાં સમાજના રીત-રિવાજ મુજબ બંને ગામનું પંચ ભેગું થયું હતું અને યુવકને 15,000 રૂપિયાનો દંડ ફટાકાર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે યુવક સીંગવડ તાલુકા પંચાયતના મહિલા સભ્યનો પુત્ર છે.