રેકોર્ડબ્રેક મોંઘવારી(Inflation) વચ્ચે સામાન્ય લોકો LPGના વધતા ભાવથી પરેશાન છે. એક દિવસ પહેલા જ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ફરીથી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલાથી જ પરેશાન સામાન્ય લોકો માટે આ ખરાબ સમાચાર સાબિત થયા છે.છેલ્લા કેટલાક સમયથી રાંધણગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા આઠ વર્ષમાં LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ અઢી ગણો વધારો થયો છે.
એલપીજીના ભાવમાં એક દિવસ પહેલા ફરી વધારો થયો હતો:
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના ડેટા અનુસાર, માર્ચ 2014માં સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 410 રૂપિયા હતી. તાજેતરના વધારા બાદ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે. 14.2 કિલોના સિલિન્ડરની સાથે 5 કિલોના નાના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે ઘરેલું વપરાશ માટેના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં છેલ્લા આઠ વર્ષમાં લગભગ 157 ટકાનો વધારો થયો છે.
રાંધણગેસના ભાવ એક વર્ષમાં આટલા વધી ગયા:
છેલ્લા એક વર્ષમાં જ દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડર લગભગ 219 રૂપિયા મોંઘું થઈ ગયું છે. એક વર્ષ પહેલા તેની કિંમત 834.50 રૂપિયા હતી જે હવે વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ 19 મેના રોજ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના ભાવમાં ચાર રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા 22 માર્ચે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.
આ રીતે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે:
દિલ્હીની વાત કરીએ તો 01 માર્ચ 2014ના રોજ સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 410.50 રૂપિયા હતી. એક વર્ષ પછી એટલે કે માર્ચ 2015માં તેની કિંમત વધીને 610 રૂપિયા થઈ ગઈ. ક્રૂડના ઘટતા ભાવથી આગામી એક વર્ષમાં ફાયદો થયો અને માર્ચ 2016માં ઘરેલુ સિલિન્ડરની કિંમત ઘટીને 513.50 રૂપિયા થઈ ગઈ. માર્ચ 2017માં તેમની કિંમત વધીને 737.50 રૂપિયા થઈ ગઈ. આ વર્ષે માર્ચમાં તેમની કિંમત 899 રૂપિયા હતી. હવે એલપીજીના ઘરેલુ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે.
હવે ગેસ સિલિન્ડર પરની સબસિડી પૂરી થઈ ગઈ છે:
તમને જણાવી દઈએ કે, મોદી સરકારે માર્ચ 2015થી ઘરેલુ રસોઈ ગેસ પર આપવામાં આવતી સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવાની પહેલ શરૂ કરી હતી. ત્યારે લોકોને સબસિડી પર દર વર્ષે 12 સિલિન્ડર મળતા હતા. કોરોના મહામારી પછી એલપીજી પર આપવામાં આવતી સબસિડી ઘટવા લાગી. અગાઉ, સરકારે લોકો પાસેથી સ્વેચ્છાએ સબસિડી છોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જો કે, મહામારી દરમિયાન, સબસિડી દરેક માટે સમાપ્ત થઈ ગઈ. હવે ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન મેળવનારાઓને જ LPG સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.