દારૂના કેસમાં પકડેલા આરોપીનું પોલીસનું મારઝૂડથી મોત નીપજ્યું હોવાનો આરોપ, જાણો સમગ્ર કિસ્સો 

મહેસાણા(ગુજરાત): હાલમાં ગુજરાતના મહેસાણામાંથી એક ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના મગપરા વિસ્તારના રાકેશજી ઠાકોરનું દારૂના કેસમાં ધરપકડ બાદ રવિવારે સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃતકના ભાઇએ પોલીસની મારઝુડથી મોત થયું હોવાનો આક્ષેપ કરતી એસપીને અરજી કરી સમગ્ર કેસની જ્યુડિશિયલ તપાસની માગણી કરવામાં આવી છે. પ્રોહિબિશન કેસમાં રાકેશજી સામતાજી ઠાકોર હાજર થતો ન હોઇકોર્ટે પકડ વોરંટ કાઢતાં બી ડિવિઝન પોલીસ દ્વારા ગુરુવારે ધરપકડ કરવામાં આવતા કોર્ટે સબજેલમાં મોકલ હુકમ કર્યો હતો.

શનિવારે બપોરે 1:20 વાગ્યે શરીરમાં ધ્રુજારી શરૂ થતાં તેને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે બપોરે તેનું મોત નીપજ્યું હતું. તેથી પોલીસની મારઝુડથી મોત થયું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં મોકલી આપવામાં આવ્યો હતો. બીજી બાજુ, મૃતકના ભાઈ ઉમેદજીએ એસપીને લેખિત અરજી કરી પોલીસની મારઝુડથી મોત થયાનો આક્ષેપ કરી જ્યુડિશિયલ તપાસની માંગણી કરી હતી.

એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે, યુવકના પરિવારજનો દ્વારા મારઝુડનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી આ કેસની તપાસ ડીવાયએસપી આર.આર. આહિરને સોંપી દેવામાં આવી છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ કલેક્ટર કચેરીથી મેજિસ્ટેરિયલ તપાસ પણ થશે. આ કેસમાં બે પ્રકારે તપાસ કરવામાં આવશે.

આ અંગે જિલ્લા જેલના ઈન્ચાર્જ જેલર બી.ટી. દેસાઈએ કહ્યું કે, 12 ઓગસ્ટે રાકેશજી ઠાકોરને 12-20 કલાકે જેલમાં મોકલવામાં આવ્યો હતો. 13 ઓગસ્ટે સવારે જેલના તબીબ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં તે બીમાર જણાતાં જરૂરી સારવાર પણ અપાઈ હતી. તેના શરીર ઉપર વાગેલાના કોઈ નિશાન નહોતા. 14 ઓગસ્ટે બપોરે તેના શરીરમાં ધ્રુજારી આવતી હોવાથી જાપ્તો બોલાવી સિવિલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના તબીબ ડો.ચાર્મી પાદરીયાએ કહ્યું કે, મૃતક દારૂ પીતો હતો. આલ્કોહોલ વીથડ્રોવલનો કેસ હતો. સીમટમ્સ પ્રમાણે દવા ચાલુ હતી. આ ઉપરાંત, ખેંચ આવતી હતી. જેથી શનિવારે ડો. મેઘા પટેલ દ્વારા એડમિટ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *