અમેરિકાના ન્યૂજર્સીમાં વિશ્વના સૌથી મોટા હિન્દુ અક્ષરધામ મંદિરનું થયું લોકાર્પણ

baps swaminarayan akshardham Robbinsville new jersey: 7 ઓક્ટોબર, 2023 ના રોજ સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓ દ્વારા અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હતી. તા:8 ઓક્ટોબર, 2023ના રોજ…

baps swaminarayan akshardham Robbinsville new jersey: 7 ઓક્ટોબર, 2023 ના રોજ સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓ દ્વારા અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હતી. તા:8 ઓક્ટોબર, 2023ના રોજ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પૂર્વે કંબોડિયા, એરિટ્રિયા, ગ્રેનાડા, ગુયાના, કઝાકિસ્તાન, લાઇબેરિયા, માલાવી, મોરોક્કો, નેપાળ, શ્રીલંકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, તિમોર લેસ્ટે, મંગોલિયા, દક્ષિણ આફ્રિકા, માલદીવ્સ, પોલેન્ડ, કોસ્ટા રિકા, બ્રાઝિલ, લેબેનોન, ભૂટાન, અને યુએન ઓફિસ ઓફ કાઉન્ટર ટેરરિઝમના પ્રતિનિધિઓએ અક્ષરધામની મુલાકાત લઈ શાંતિ, એકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક મૂલ્યોના જતનની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

8 ઓક્ટોબર, 2023 ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન, હિંદુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને તેની પરંપરાઓના કાયમી પ્રતીક તરીકે આવનારી પેઢીઓ માટે શાંતિ, આશા અને સંવાદિતાના સંદેશાઓ પ્રસારિત કરશે. પોતપોતાના દેશો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોના પ્રતિનિધિઓ તરીકે આ સર્વે પ્રતિનિધિઓએ વૈશ્વિક સહકાર માટે આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાન અને આધ્યાત્મિક સંવાદિતાના મહત્વને આત્મસાત કર્યું હતું.

પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિત રાજદૂતો: કંબોડિયાની સોફીઆ ઈટ, એરીટ્રિયાની સુશ્રી સોફિયા ટેસ્ફામરિયમ, ગ્રેનાડાના ચે અજામુ ફિલિપ, ગુયાનાના કેરોલીન રોડ્રિગ્સ-બિર્કેટ, કઝાકિસ્તાનના અકાન રખ્મેતુલિન, લાઇબેરિયાના  સારાહ સફિનફાઇનાહ, માલાવીની એગ્નેસ મેરી ચિમ્બીરી મોલાન્ડે, મોરોક્કોના ઓમર હિલાલ, નેપાળના લોક બહાદુર થાપા, શ્રીલંકાના મોહન પીરીસ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના ઇંગા રોન્ડા રાજા, તિમોર લેસ્ટેના કાર્લિટો નુન્સ, મંગોલિયાના એન્કબોલ્ડ વોરશિલોવ, દક્ષિણ આફ્રિકાના સુશ્રી માથુ જોયિની, અને માલદીવના રાજદૂત હાલા હમીદ.

જ્યારે શ્રીલંકામાં યુએન એમ્બેસેડર મોહન પીરીસે પૂછ્યું કે, ‘આ પ્રતિનિધિમંડળ અહીંથી અન્ય નેતાઓ માટે શું સંદેશ લઈ જઈ શકે?’ ત્યારે એટલાન્ટાના BAPSના સ્વયંસેવક કુંજ પંડ્યાએ સુંદર પ્રત્યુતર આપતાં કહ્યું, “ આપ સૌ બાહ્ય વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરી રહ્યા છો – જે એક મહત્વનો પ્રયાસ છે. પરંતુ આપણે સૌ સમજીએ છીએ કે વિશ્વ શાંતિ પ્રાપ્ત કરવા માટે, આપણે સૌ પ્રથમ આંતરિક શાંતિ મેળવવી જોઈએ. હું સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્યને અહીં અક્ષરધામ ખાતે આંતરિક શાંતિની ખોજ માટે આમંત્રિત કરું છું, જેની સામૂહિક અસરથી વિશ્વશાંતિ શક્ય બની શકશે.”

સંધ્યા કાર્યક્રમમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અસાધારણ જીવન અને મૂલ્યોને વધાવતા વિશિષ્ટ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા. મહંતસ્વામી મહારાજ વિશ્વભરના અસંખ્ય વ્યક્તિઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. આધ્યાત્મિકતા, પ્રેમ, અને નિઃસ્વાર્થ સેવા દ્વારા તેઓએ અનેક વ્યક્તિઓના જીવન-પરિવર્તન કર્યા છે.

આર્ષ વિદ્યા મંદિરના સ્થાપક આચાર્ય સ્વામી પરમાત્માનંદજીએ સભાને સંબોધતા જણાવ્યું, “લગભગ 48 વર્ષ પહેલાં મને તેઓને (મહંત સ્વામી મહારાજને) મળવાનું સૌભાગ્ય મળ્યું હતું. … હું તેઓની સાથે રહ્યો હતો. આટલા વર્ષોમાં, મેં એક વસ્તુનું અવલોકન કર્યું છે, કે તેઓ  હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ મૂલ્યો અને હિન્દુ ધર્મના જીવંત સ્વરૂપ સમાન છે.”

BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય સમર્પણ સમારોહની પૂર્વસંધ્યાએ, મહંતસ્વામી મહારાજના ભવ્ય જીવનની ઉજવણી દ્વારા કઈ રીતે તેઓના શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો અસંખ્ય વ્યક્તિઓને તેમની આધ્યાત્મિક યાત્રા પર પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે તેની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

શું છે અમેરિકાના અક્ષરધામની વિશેષતા…
ન્યૂ જર્સી રોબિન્સવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર બહાર અને અંદર બંને રીતે સુંદર છે. મંદિરના બહારના ભાગે હિન્દુ સ્થાપત્યને અનુસરીને બનાવવામાં આવેલો 135 ફૂટ પહોળો અને 55 ફૂટ ઊંચો વિશાળ મંડપ મંદિરને અદભુત સુંદરતા પૂરી પાડવાની સાથોસાથ સુરક્ષા પણ આપે છે, જેમાં બનેલા સ્તંભ પર આંખો ઠરી જાય એવું બારીક કોતરકામ કરવામાં આવ્યું છે.

મયૂર દ્વાર : મંડપનો મુખ્ય દરવાજો, જેને મયૂર દ્વાર કહેવાય છે, એ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મયૂર દ્વારને આરસમાંથી કોતરવામાં આવેલા મોર, હાથી, સાધુઓ અને ભક્તો સહિત 236 શિલ્પોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ભવ્ય મંદિર સુધી પહોંચવા માટે 50 ફૂટ ઊંચું લાઈમસ્ટોનનો ગેટ છે. આ ગેટ પર સેંકડો મોર કોતરવામાં આવ્યા છે. મયૂર દ્વાર એ હિંદુ મંદિરોમાં ઉત્કૃષ્ટ પ્રવેશદ્વારની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે.

પ્રાર્થના હોલ : મંદિર પાસે બનેલા મંડપમાં એક ભવ્ય પ્રાર્થના હોલ છે, જ્યાં એક સમયે 1000થી પણ વધુ ભક્તો બેસીને ભગવાનની ભક્તિ કરી શકે છે. મંદિર સંકુલના યુવાનો માટે પ્રવૃત્તિ કેન્દ્ર, મુલાકાતીઓ માટે આરામગૃહ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું હતું. એક આકર્ષક વાત એ પણ છે કે મંદિર અને તેની આસપાસના વિસ્તારની સુંદરતા ઉત્તર અને દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીના સમૃદ્ધ મિશ્રણથી પ્રભાવિત છે.

રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય ભાગ 4 માળનો છે, જેમાં ભારતના વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિની ગૌરવશાળી ગાથાને પ્રદર્શિત કરે છે. સુશોભિત સ્તંભ, દીવાલો અને છત પર થયેલું કોતરણીકામ રામાયણ, મહાભારત અને પ્રાચીન ગ્રંથોની વાર્તાઓને દર્શાવે છે. હોલમાં ભારતીય હિંદુ સમુદાયના ધાર્મિક આગેવાન અને સાધુઓની મૂર્તિઓ મુકાઈ છે.

ભવ્ય ગુંબજ : 34 ફૂટ ઊંચા, 30 ફૂટ વ્યાસવાળા ગુંબજ મંદિરને ભવ્યતા પ્રદાન કરે છે, જે મંદિરની કોતરણીની જટિલતાને પૂરક બનાવે છે. ગુંબજ માત્ર એક પથ્થર કે આધુનિક સમયમાં બનતી ઈમારતોની જેમ ક્રોંક્રીટથી નથી બનાવવામાં આવ્યો, પરંતુ વિવિધ ઇન્ટરલોકિંગ સ્લેબનું સંયોજન છે. ગુંબજની મધ્યમાં એક સુંદર આરસનું કેન્દ્ર છે. કી-સ્ટોનની જેમ, આ એક ટુકડો, બાકીના પથ્થરો સાથે એવી રીતે જોડાયેલો છે કે તેને નયનરમ્ય આકર્ષણની સાથે મજબૂતી પણ મળી રહે. ગુંબજમાં લગાવેલા તમામ પથ્થર જાણે કે એકબીજા સાથે ‘તાળું’ લગાવ્યું હોય એવી રીતે જોડવામાં આવ્યા છે.

મંદિરના પ્રવેશદ્વાર ઉપરાંત વિવિધ દીવાલો પર મોર, હાથી, સિંહ, વાનર, હરણ, સસલાં, બકરાં, પોપટ, ગાય અને ખિસકોલી સહિતનાં ઘણાં પ્રાણીઓની શિલ્પાકૃતિઓ છે. સમગ્ર મંદિરમાં પ્રાણીઓની આવી કોતરણી યાદ અપાવે છે કે હિંદુ ધર્મ પ્રકૃતિ સાથે સુમેળ પર ભાર મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *