જૂનાગઢ/ ભવનાથમાં ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો વિધીવત પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા ભક્તો

Mahashivratri fairs in Junagadh: જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે. ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો…

Mahashivratri fairs in Junagadh: જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે. ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ થયો છે. 9.30 કલાકે ધ્વજા ચડાવવાનું મુહૂર્ત હતુ. જેમાં સાધુ સંતની હાજરીમાં ધજા ચડાવી છે. ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રગટ્યા છે.વહેલી સવારથી ભાવિક ભક્તો ભવનાથ મહાદેવના મંદિરે(Mahashivratri fairs in Junagadh) દર્શન માટે ઉમટી પડ્યા છે. 4 દિવસ સુધી ચાલનારા મેળામાં ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો ચાલશે
આજે મહાવદ નોમના સવારે 10 વાગ્યે સાધુ સંતો અધિકારીઓ, તેમજ પદાધિકારીઓની હાજરીમાં ભવનાથ મંદિર ખાતે ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું.ત્યારબાદ અન્નક્ષેત્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો ચાલશે જેમાં લાખો શ્રદ્વાળુઓ શિવરાત્રીના મેળામાં ભાગ લેશે. સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. મહાવદ નોમથી મહાશિવરાત્રિ સુધી યોજાનાર 4 દિવસીય મહાશિવરાત્રિ મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્ર્રોક્ત વિધિવિધાન કરવામાં આવ્યા છે.

દેશભરમાંથી સાધુ સંતો આવી પહોચ્યા
મહાશિવરાત્રી પર ભવનાથ તળેટીમાં જ મેળો યોજાતો હોવાથી રાજ્ય અને દેશભરમાંથી સાધુ સંતો આવી પહોચ્યા છે. તેઓએ તળેટીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. મેળાના પ્રારંભ થતા જ સાધુ સંતોના ધુણા પ્રજ્વલ્લિત થશે અને તેની ધુમ્રશેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ ઉભો થશે.મેળામાં વ્યવસાય કરવા આવતા લોકો ગઈકાલથી જ તળેટીમાં આવી પહોંચ્યા છે. અમુક અન્નક્ષેત્ર ગઈકાલે સાંજથી જ શરૂ થઇ ગયા હતા અને અનેક લોકોએ ત્યાં ભોજનપ્રસાદ લીધો હતો.

હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી
ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આરંભ થયો છે, ત્યારે દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા છે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી છે.

ટીમો સતત વન્ય પ્રાણીઓની હિલચાલ પર નિરીક્ષણ રાખશે
ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં સિંહ-દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ છે, ત્યારે આ વન્ય પ્રાણીઓને લઈને વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી છે, અને સંવેદનશીલ વિસ્તારમાં 5 રાવટી ઉભી કરી છે, ચેકિંગ ટીમ, ટ્રેકર ટીમ, સર્ચ ટીમ, રેસ્ક્યૂ ટીમ તેમજ પાંજરા રાખવામાં આવ્યા છે, આ ટીમો સતત વન્ય પ્રાણીઓની હિલચાલ પર નિરીક્ષણ રાખશે.તેમજ ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.

આ સિવાય મહિલા અને બાળકોને કોઈ પણ મુશ્કેલી ના પાડે અને મુશ્કેલીના સમયમાં તેને સુરક્ષા આપી શકાય તે માટે 10 જેટલી શી ટીમો પણ કાર્યરત કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં લાગેલા સીસીટીવી સિવાય વધારાના 79 જેટલા કેમેરાઓ પણ લગાવવામાં આવશે. જેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઊભું કરવામાં આવ્યું છે.