પરિવારે 28 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો: સુરતમાં 14માં માળેથી 2 મજૂર નીચે પટકાતાં કરુણ મોત, કોન્ટ્રેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

Surat News: શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના 14માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના(Surat News) કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો 14માં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા. તે સમયે સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. જ્યારે પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોન્ટ્રેક્ટર, પેટા-કોન્ટ્રેક્ટર તેમજ અન્ય એકને આરોપી બનાવાયા
પોલીસે મૃતક દુદાનાં પત્ની સુશીલાબેનની ફરિયાદને આધારે આઈ.પી.સી.ની કલમ 304ની કલમ અંતર્ગત સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. પોલીસે હાલ આ બિલ્ડિંગનાં કોન્ટ્રેક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા-કોન્ટ્રેક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારાને આરોપી બનાવ્યા છે. જોકે બીજી કઈ ખામીઓ રાખવામાં આવી હતી એ જાણવા પોલીસે ફોરેન્સિક ટીમની પણ મદદ મેળવવામાં આવી રહી છે.

ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી
બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યાં બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની છે. બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હતી છતાં સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. હાલ જરૂરી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

પરિવારમાં પત્ની, એક દીકરી અને બે દીકરા
ડિંડોલી વિસ્તારમાં માધવ ક્રેસ્ટ નામના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં મૂળ મધ્યપ્રદેશના જંબવાના વતની 30 વર્ષીય દૂધો હરજી હંગરિયા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, એક દીકરી અને બે દીકરા છે. નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ જ બિલ્ડિંગ પર મધ્યપ્રદેશનો 17 વર્ષીય ધર્મેશ માવી પણ રહેતો હતો અને મજૂરીકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

વળતર સાથે ન્યાયની માંગ
બંને મજૂરનાં અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પરિવાર નવનિર્મિત બિલ્ડિંગ ખાતે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી હતી. પરિવાર દ્વારા કમાવવાવાળા દુધાના મોતને લઈને વળતર સાથે ન્યાયની માગ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. જોકે આ માટે મૃતદેહ 28 કલાક જેટલો સમય પોસ્ટમોર્ટમ વિના પડી રહ્યો હતો. હાલ બંનેના પરિવારજનો મૃતદેહને લઈને વતન મધ્યપ્રદેશ લઈને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.