ગુજરાત: ત્રણ નંબરનુ ખતરાનું સિગ્નલ જુનાગઢ માંગરોળ બંદરે લગાવવામાં આવ્યું છે. દિવસે માંગરોળ પંથકમાં કાળા ડીબાંગ વાદળો સાથે અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો છે. દરિયાઇ વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતાને કારણે માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માંગરોળના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન જવા માટે સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે.
સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બારડોલી નગર તેમજ તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી. સુરતમાં ભારે ઉકળાટ વચ્ચે મેઘરાજાની ફરી વાર પધરામણી થઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો.
સતત બીજા દિવસે વડોદરા શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વડોદરાના સીટી, રાવપુરા, સયાજીગંજ, કોઠી, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લોકોને અસહ્ય ગરમી અને બફારાથી વરસાદી માહોલથી રાહત મળી હતી.
3 નંબરનું ભયજનક સિગ્નલ દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન જવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે વરસાદની આગાહીની સાથે ભારે પવન ફૂંકાવાની શકયતા કરવામાં આવી છે. દરીયામાં 45 થી 55 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
પોરબંદરના સમુદ્રમાં પવન ફુંકાતા ભારે વરસાદની શક્યતાએ જીએમબીએ સાંજે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. સુભાષનગર વિસ્તારના આવેલા બંદર પર માછીમારોને દરિયો ખેડવાની ના પાડી છે.
નર્મદા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે. વરસાદનું જિલ્લાના પાંચ તાલુકાઓમાં આગમન થયું છે. અષાઢી બીજના દિવસે રથયાત્રામાં આવેલા વરસાદથી લોકોનો આનંદ વધી ગયો હતો. ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ પડતા ઠંડક અનુભવાઈ હતી.
જુનાગઢમાં માંગરોળના હુશેબાદ તેમજ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જવાથી સમસ્યા ઉભી થઇ હતી. સોમનાથ ફોરટ્રેક રોડ બનતાની સાથે જ વાડી વિસ્તારના પાણી રોકાઇ ગયા હતા. જેથી લોકોના ઘરોમાં પાણી ઘુસી આવ્યા છે. માંગરોળના ધારાસભ્યએ લેટરપેડ ઉપર લોકોની સમસ્યાની લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ નિવડયું હતુ.
અમરેલીના બગસરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બગસરા, મુંજયાસર, હડાળા, હામાપુર, રફાળા, પીઠળિયા સહિત ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો વડીયાના દેવળકી ગામે ધોધમાર વરસાદ પડયો હતો. જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.
અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી નગરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી માહોલથી રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા. ઉમરગામના વિવિધ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જાફરાબાદ બંદર પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્રએ આદેશ આપ્યો છે.
પોરબંદરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદનું આગમન થતા ધરતીપુત્રોની મુરઝાતી મોલાતને જીવત દાન મળ્યું હતુ. વરસાદી માહોલથી પોરબંદરના બજારમાં વાહનોની ગતિ ધીમી પડી ગઇ હતી. તો આ તરફ પોરબંદર રાણાવાવ શહેરમાં પણ વરસાદી માહોલ છવયો હતો. બપોર પછી માણાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાવણી બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ધોધમાર વરસાદ વલસાડ જિલ્લામાં વરસ્યો હતો. વલસાડના ઉમરગામ, વાપી અને પારડીમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં વલસાડ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી તરફ થોડા જ વરસાદમાં વલસાડના મુખ્યમાર્ગ તિથલ રોડ ચાર રસ્તા અને કલેકટર ઓફિસની આસપાસ પાણી ભરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.