હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. પરંતુ હવે અનલોકના 30 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધારે કેસ ધરાવતા 2 જિલ્લા અમદાવાદ અને સુરતનું ચિત્ર બદલાઈ રહ્યું છે.અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ મોતમાં અને કેસમાં ઘટાડો નોધાયો છે,વળી બીજી બાજુ સુરતમાં આ સ્થિતિ વણસી છે. સુરતમાં કેસ અને મૃત્યુ બન્નેમાં વધારો જોવા મળે છે. અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ 407 કેસ અને 94 મૃત્યુ ઓછા નોંધાયા છે,જ્યારે બીજી બાજુ સુરતમાં મેની સરખામણીએ 2,203 કેસ અને 45 મૃત્યુ વધુ નોંધાયા છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાયેલાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.22 જૂને કુલ 314 કેસ નોંધાયા હતા,ત્યારપછી દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.જો કે,29 જૂનનાં રોજ 236 કેસ નોધાયા હતા,પરંતુ 30 જૂનનાં રોજ કેસ 200ની નીચે જતા રહ્યાં હતા.જ્યારે સુરતમાં 19 જૂનથી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.20 જૂનથી રોજ નોંધાતા કેસનો આંકડો 100થી વધારે રહ્યો છે. 29 જૂને તો કેસનો આકડો 200ને પણ વટી ગયો હતો.
ત્યારે હવે સુરતમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને કતારગામમાં આવેલ પાટીદાર સમાજની વાડીમા પહેલા પાર્કિંગમાં અને હવે લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. સુરત શહેર કંઈક અવનવુ કરવામાં પ્રખ્યાત છે. ત્યારે હવે દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય તેવું સુરતમાં પહેલીવાર બન્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં 78 બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરવામા આવ્યું છે. તેમજ અહીં તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે.
હાલમાં અમદાવાદને પણ પાછળ મુકીને સુરતનું કતારગામ કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. અહી કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આવામાં કતારગામ વિસ્તારમાં 2 કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ કેસનો આંક વટાવી જતા હવે કતારગામમાં આવેલ પાટીદાર સમાજની વાડીમા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સુરતના મેયર ડો.જગદીશ પટેલના સમાજની આ વાડી છે. તેઓ આ વાડીમાં ટ્રસ્ટી પણ છે. તેથી તેઓએ લગ્નની આ વાડીને કોવિડ સેન્ટર તરીકે ઉભા કરવાની વાત વાડીના અન્ય ટ્રસ્ટીઓ સામે મૂકી હતી. જેથી તમામે સર્વાનુમતે હા પાડતા અહી કોવિડ સેન્ટર ઉભું કરાયું છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં 78 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની એક ટીમ અહી સતત તૈનાત રહેશે. કતારગામમાં કોરોનાના લક્ષણો દેખાતા દર્દીઓને હવેથી પાટીદાર સમાજની વાડીમાં લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશનો આ પહેલો એવો કિસ્સો છે, જ્યાં લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હોય. આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવામા આવ્યું હતું.
ગઈકાલ સુધી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લામાં 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 239 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 191 અને નવા ડિસ્ટ્રિક્ટ 48 કેસનો સમાવેશ થાય છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી 5084 અને ગ્રામ્યમાં 635 કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં સંક્રમિતોનો કુલ આંકડો 5719 પર પહોંચી ગયો છે. સુરતમાં આજે કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં એક-એક મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 209 પર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news