કચ્છમાં AC કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી વિકરાળ આગ; પિતા-પુત્રી બળીને ભડથું, માતાની હાલત ગંભીર

Kutch AC Blast News: કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ બાબ આગ લાગવાની ઘટના બની હતી. જેના લીધે થોડી જ વારમાં (Kutch AC Blast News) આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પિતા પુત્રી બળીને ભડથું થયા
પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એસીનું કમ્પ્રેશર ફાટતાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં સૂતા હતા હતા. આ બ્લાસ્ટના લીધે ભભૂકી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને જાનવી (ઉ.વ. 2)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
બ્લાસ્ટ બાદ ઘરમાં આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોની ડેડબોડીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે કયા કારણોસર કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. હાલમાં પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આટલી બાબતોનું રાખો ધ્યાન
દેશભરના વિવિધ ભાગોમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાઓ બનતી હોય છે. જેથી નિયમિતપણે એસીની સર્વિસ કરાવવી. 24 કલાક એસી ન ચલાવો. એસીને થોડો આરામ આપો. એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરી દો. ઘરની બહાર નીકળતી વખતે વીજ પુરવઠો ચાલુ રાખશો નહીં.’

એસીને લઈને આ બાબતોનું ધ્યાન રાખો
એસી ઈન્સ્ટોલ કરતી વખતે, તેની પાવર ક્ષમતા અને તમારા ઘર અથવા ઓફિસનો પાવર લોડ તપાસો.
સ્ટેબિલાઇઝર વગર એસી ના ચલાવો.
ઉનાળાની શરૂઆતમાં એસી સર્વિસ કરાવો.
જો AC કોઈ અવાજ કરે અથવા સ્પાર્ક કરે તો તરત જ તેની તપાસ કરાવો.