ભારે વરસાદથી ગુજરાત થયું પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ -જાણો ક્યાં કેટલો વરસાદ?

Gujarat Monsoon News: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના(Gujarat Monsoon News) 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધંધુકામાં નોંધાયો છે. ધંધુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ચારેકોર પાણી-પાણી કરી નાખ્યું છે.

ધંધુકામાં નોંધાયો સૌથી વધારે વરસાદ
ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ જામનગર અને દાંતિવાડામાં 4 ઇંચ વરસાદ, સુરતના પલસાણા, વલસાડના પાલડી અને પોરબંદરના રાણાવાવમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જોડિયા અને ધોલેરામાં 3 ઇંચ વરસાદ, ડીસા, સુત્રાપાડા અને ધરમપુરમાં 3 ઇંચ વરસાદ બોટાદમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં 3 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી
અમદાવાદમાં પણ ગઈકાલે સાંજે 6:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. કાલુપુરથી દરિયાપુર જવાના રસ્તે ટ્રાફિક જામ સર્જાયો હતો. કાલુપુરથી દરિયાપુર જવાના રસ્તે અંદાજે 1 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. ટ્રાફિક વધતા લોકોની મુશ્કેલીઓ ખુબ વધી હતી. વરસાદના કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક થતાં 14 હજાર ક્યૂસેક પાણી નદીમાંથી આગળ છોડવામાં આવ્યું હતું.

ભાવનગરમાં 1 કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ
ભાવનગર શહેરમાં ખુબ જ જોરદાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં 1 કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહનચાલકોને ખુબ જ મુશ્કેલી પડી હતી.બોટાદના ગઢડા તાલુકાના પડવદર ગામે ધોધમાર વરસાદ વરસતા નદી-નાળામાં પાણીની આવક થઈ હતી. પડવદર ગામે બપોર બાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ
જામકંડોરણા તાલુકામાં કાલે અતિભારે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણાના ખજૂરાહ, બાલાપર, ધકાપર ગામમાં વરસાદ વરસતા ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ખજૂરાહ ગામમાં જવાના રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. ખજૂરાહ જવાના પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *