‘જયારે અહીં આવીને તેણે બૅન્કમાં પાસબુક આપી ત્યારે ખબર પડી કે તેના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા છે અને ઉપડી પણ ગયા છે.’આ સમસ્યા છે બોટાદના લખણા ગામના જેસંગભાઈ ડાભીની. જેસંગભાઈ ડાભીએ આ અંગે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ પણ કરી છે.
તેમણે એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, “મારી દીકરી ધર્મિષ્ઠાનાં લગ્ન થઈ ચુક્યા છે અને તે ઉજળવાવ ગામમાં રહે છે.”તેનાં લગ્ન થયા બાદ અમે તેનું નામ રાશન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાંથી કઢાવી નાખ્યું હતું અને મારો દીકરો દસમાની પરીક્ષા માટે એના ઘરે ગયો હતો.જયારે એ ગામમાં પાછો આવ્યો ત્યારે એની પાસે એને મુસાફરી પૂરતા પૈસા રાખ્યા હતા અને બાકીના પૈસા બૅન્કમાં જમા કરાવ્યા હતા. લખણા આવીને તેણે બૅન્કમાં પાસબુકમાં એન્ટ્રી ત્યારે ખબર પડી કે એના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા હતા અને પછી તે ઊપડી પણ ગયા છે. તેણે જીવનમાં કોઈ દિવસ મનરેગામાં કામ નથી કર્યું.આમ છતાં તેના ખાતામાં રૂપિયા આવ્યા હતા.
કામ નથી કર્યું તેમ છતાં બૅન્કખાતામાં પૈસા જમા થયા
આવું જ બન્યું છે બનાસકાંઠાના બાલુન્દ્રા ગામમાં રહેતા રામભાઈ રબારી નામના 11 વર્ષના દીકરા સાથે.બનાસકાંઠાના એસ.પી. તરુણ દુગ્ગલે કહ્યું કે અહીંથી અમને ખોટા ફોટા સાથેનાં 16 નકલી જોબકાર્ડ મળ્યાં છે એમાં એક 11 વર્ષના છોકરા રામા રબારીનું જોબકાર્ડ પણ મળ્યું છે.દુગ્ગલ કહે છે, “છોકરો હજુ સગીર છે અને એને મનરેગામાં ક્યારેય કામ નથી કર્યું છતાં એના ખાતામાં પૈસા જમા થઈને ઉપડી ગયા છે.”અમારી તપાસમાં આ બહાર આવ્યું છે અને હજુ રદ થયેલાં 226 જોબકાર્ડમાં કેવી ગેરરીતિ થઈ છે એની તપાસ ચાલુ છે.હવે અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે બધી માહિતી ઑનલાઇન પ્રાપ્ત હોવા છતાં આ યોજનામાં ભ્રષ્ટાચાર કઈ રીતે કરતો હશે?
મનરેગાએ બંધારણમાં આલેખાયેલ ‘કામ કરવાના અધિકાર’નું મૂર્ત સ્વરૂપ કહી શકાય.કૉંગ્રેસના વડપણવાળી UPA સરકારમાં વર્ષ 2005માં આ કાયદો બનાવવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોની પુખ્ત વયની કોઈ પણ એક વ્યક્તિને એક વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ માટે રોજગાર આપવાનો હતો.\ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર કેટલાક કેસમાં સમગ્ર વર્ષમાં રોજગાર મેળવવાના દિવસોની સંખ્યામાં વધારો કરીને 150 કરવાની પણ મંજૂરી અપાઈ છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિને કારણે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે મનરેગા હેઠળ વાર્ષિક 100 દિવસના બદલે 200 દિવસ કામ મળે તેવી માગ કરી હતી.
ગ્રામીણ ગરીબોને રોજગારી આપવાના હેતુથી ઘડાયેલ આ યોજનામાં અનેક વખત ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠતી આવી છે.ગુજરાતમાં મનરેગામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે કૉંગ્રેસના નેતા મનહર પટેલ જણાવે છે, “ગુજરાતમાં તલાટી અને ગ્રામસેવક દ્વારા મનરેગાના નામે રૂપિયા બનાવવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે.”આમ તો ઑનલાઇન કોને કેટલા પૈસા ચૂકવાય એની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવે છે, જેથી પહેલી નજરે આ આખુંય કામ પારદર્શી અને ભ્રષ્ટાચારવિહોણું લાગે છે.જોકે, આ યોજનાના અમલીકરણની હકીકત કંઈ જૂદી જ હોવાનું જણાવતાં તેઓ કહે છે, “વાસ્તવિકતા એ છે કે મનરેગામાં કામ કરતા મોટા ભાગના મજૂરો અભણ હોય છે.”એમના અંગૂઠાનું નિશાન લઈ ગ્રામસેવક અને તલાટી પૈસા આપે છે. આ પૈસા પણ બૅંકમાં જમા તો થાય છે પણ મજૂર સુધી પહોંચે એ પહેલાં જ ઉપાડી લેવાય છે.
કઈ રીતે પ્રકાશમાં આવ્યો સંપૂર્ણ મામલો?
આ પ્રશ્નના જવાબમાં મનહર પટેલ જણાવે છે, “બોટાદ જિલ્લાના લખણા ગામના 15 વર્ષીય કિશોર દશરથ ડાભી દસમા ધોરણની પરીક્ષા આપવા માટે બહારગામ ગયો હતો.ગામ પરત ફરતાં RTGS મારફતે મોકલાવાયેલા પૈસા બૅન્કમાંથી ઉપાડવા જતાં તેને ખબર પડી કે તેના ખાતામાં મનરેગાના પૈસા જમા થતા હતા અને બારોબાર ઊપડી પણ ગયા હતા.દશરથે ક્યારેય આ યોજના હેઠળ કામ નહોતું કર્યું તેમ છતાં તેના ખાતામાં પૈસા જમા થઈને ઉપડી ગયા હતા.’આ અંગે તેણે તેના પિતાને વાત કરતાં આ સમગ્ર કેસ ઍન્ટિ-કરપ્શન બ્યૂરો પહોંચ્યો હતો. જ્યાં આ સંદર્ભે ફરિયાદ નોધાવાવમાં આવી હતી.
જેલમાં બંધ કેદીના ખાતામાં જમા થયા પૈસા
બનાસકાંઠામાં પણ આવું જ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા જિલ્લામાં કથિતપણે ચાલી રહેલા કૌભાંડ વિષે વાત કરતાં જણાવે છે કે, “જ્યારે અમારી જાણમાં આ સમગ્ર મામલો આવ્યો ત્યારે તપાસમાં બાલુન્દ્રા ગામની ફરિયાદમાં અમને ગરબડ જણાતાં વધુ તે દિશામાં વધુ તપાસ શરૂ કરાઈ છે.”તેઓ આગળ વાત કરતાં જણાવે છે, “જિલ્લાના તમામ 11 તાલુકામાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાલનપુર પાસે આવેલા સેલમપુરા ગામમાં એક કાચાકામનો કેદી જે જેલમાં હતો તેના નામે મનરેગા અંતર્ગત પૈસા જમા કરાવીને ઉપાડી લેવાયા હોવાની વાત સામે આવી હતી.”
11 વર્ષીય બાળકના નામે જમા થયા મનરેગાનાં નાણાં
આ સમગ્ર મામલા અંગે બનાસકાંઠાના DSP તરુણ દુગ્ગલે માહિતી આપતા કહ્યું હતું કે, “અમને અમીરગઢના બાલુન્દ્રા ગામમાંથી મળેલી ફરિયાદમાં મોટી ગેરરીતિ સામે આવી છે. જેમાં 11 વર્ષીય રામ રબારી નામના બાળકનું બનાવટી ખાતું ખોલાવી મનરેગા હેઠળ તેમાં નાણાં જમા કરાવી ઉપાડી લેવાયાં હોવાનું બહાર આવ્યું છે.”તેઓ આ અંગે વધારે માહિતી આપતાં કહે છે કે, “આ ગામમાં મનરેગા હેઠળ કામ કરનારા 827 લોકોના જૉબકાર્ડ બન્યા હતાં. જે પૈકી ગ્રામસેવક અને તલાટી દ્વારા 226 જૉબકાર્ડ રદ્દ કરાયાં હોવાનું જાણવા મળ્યું છે.”તેઓ મામલાની તપાસમાં સામે આવેલી વધુ વિગતો જણાવતા કહે છે કે, “આ 226 માંથી 167 લોકો કામે ન આવ્યા હોવાની ચોપડે બનાવટી નોંધ કરવામાં આવી છે. હજુ આ મામલામાં ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ છે.”અમને 16 બનાવટી જૉબકાર્ડ પણ મળ્યાં છે. ગ્રામસેવક અને તલાટીની અટકાયત કરાઈ છે. તેમણે કઈ બૅંકમાંથી કેટલાં નાણાંની લેવડદેવડ કરી હતી તે જાણવા માટેની તજવીજ હાથ ધરી છે.
આ ઉપરાંત બાલુન્દ્રા ગામના ભીખાભાઈ સેની આ વિશે વાત કરતાં જણાવે છે કે, “મારી પત્ની કયારેય મનરેગા માં કામ કરવા માટે ગઈ નથી, તેમ છતાં એના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા અને તેની જાતે જ પછી ઊપડી ગયા છે” આ અંગે અન્ય એક સ્થાનિક કિરણ રામા વસ્તા જણાવે છે કે, “જયારે અમારા ખાતામાં પૈસા આવ્યા અને ઊપડી ગયાની ખબર પડી ત્યારે અમે આ અંગે ગ્રામસેવકને વાત કરી પણ અમારી ફરિયાદ પર કોઈ એ ધ્યાન આપ્યું ન હતું, ત્યારબાદ અમે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ત્યાર બાદ હવે કાર્યવાહી થઈ છે.”આ અંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે આ સમગ્ર મામલા અંગે વાત કરતાં કહ્યું હતું કે, “મનરેગાનો આશય ગરીબ લોકોને રોજગારી મળે એ છે અને અમે લોકોને કામ આપી રહ્યા છીએ, કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરનારને છોડવામાં નહી આવે.”
ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. તેના પરથી કહી શકાય કે ગરીબ મજૂરોનો અધિકાર કૌભાંડીઓ ખાઈ રહ્યા છે.હવે મહત્વનો સવાલ એ છે કે આ કૌભાંડની પાછળ કોનો હાથ છે અને તેની તપાસ ક્યારે થશે તેમ જ તેને સજા મળશે કે નહીં. અને ક્યારે ગરીબ માણસોને પોતાનો અધિકાર મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en