લોકસભા ચૂંટણી પહેલા હવે ફરીથી પ્રધાનમંત્રી મોદીનો માહોલ તૈયાર કરાઇ રહ્યો છે, મોદીના સમર્થકો કંઇને કંઇ નવું કરી રહ્યાં છે, સુરતના કાપડ વેપારીઓ દ્વારા પ્રચારનો અનોખો ઉપાય શોધી લેવામાં આવ્યો છે, તેઓ ચૂકવણી કરવામાં આવતા બીલ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપીને પ્રચાર કરી રહ્યા છે તથા માલના પેકિંગમાં વપરાતી પ્લાસ્ટિકની રીબીનમાં પણ મોદીનો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સુરતનું કાપડ ઉત્તર ભારત અને બંગાળથી લઇને દક્ષિણ ભારત સુધી લોકપ્રિય છે. આવી રીતે વેપારી તેમના મનપસંદ નેતાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
સુરતમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંધવીએ ટ્વિટ કરીને આ અંગે મોદી પ્રચારની જાણકારી આપી છે. તેમના ટ્વિટમાં તેમણે લખ્યું છે, કે ‘આ એકદમ સ્પષ્ટ છે, કે વેપારીઓની કેટલી ઇચ્છા છે, કે વડાપ્રધાન મોદીની 2019માં ફરી એક વાર સરકાર બને.’ હર્ષ સંધવીએ આ સાથે બે ફોટા પણ પોસ્ટ કર્યા છે. જેમાં પહેલી તસવીરમાં એક બીલનો ફોટો છે. જેમાં પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપવામાં આવી છે. અને ‘નમો અગેઇન’ લખવામાં આવ્યું છે. આ પરી ઇમ્પેક્સ નામની કંપનીનું બીલ છે અને તેમાં કુલ બીલની રકમ 1.06 લાખ રૂપિયા છે. આ બીલ પર સ્વચ્છ ભારત મિશનનો લોગો પણ છાપવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા બીજેપી નેતા અનુરાગ ઠાકુર ‘નમો અગેઇનની ટીશર્ટ પહેરીને સંસદમાં પહોચ્યાં હતા. એટલું જ નહીં કારની પાછળ પણ નમો અગેઇનનું સ્ટીકર લગાવીને પીએમ મોદીના પક્ષમાં હોવાનો માહોલ બનાવ્યો હતો.