ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ અનોખો વિરોધ, ગામમાં ફરીને લોકોને મફતમાં કર્યુ વિતરણ

Published on: 8:06 am, Wed, 6 February 19

જૂનાગઢના વિસાવદરમાં કોંગ્રેસ અને ખેડૂતોએ ડુંગળી મુદ્દે વિરોધ કર્યો છે. ધારાસભ્ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. મફતમાં ડુંગળી વહેચતા કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાની અટકાયત કરાઇ હતી. ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડુતોમાં રોષ વ્યાપો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ ગામમાં ફરીને લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યુ હતુ.

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવાને ડુંગળીનુ હબ માનવામાં આવે છે. અહીની લાલ અને સફેદ ડુંગળી ખૂબજ જાણીતી છે. તેમજ અહીથી અન્ય રાજ્યમાં પણ ડુંગળી જાય છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર મહુવા APMCમાં લાલ કાંદાનો સ્ટોક વધતા તા.6 ફેબુઆરી થી તા.9 ફેબ્રુઆરી ડુંગળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. આ અંગે મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીના જણાવ્યા અનુસાર તા.6 ફેબુઆરી બુધવાર થી તા.9 ફેબુઆરી શનિવાર સુધી લાલ કાંદાની ખરીદી બંધ રાખવામાં આવી છે.

આ અંગે ખેડૂતો અને કમીશન એજન્ટોને પણ જાણ કરી દેવામાં આવી છે. જેથી તેમને મુશ્કેલી ન પડે. તેમણે જણાવ્યુ હતુ કે લાલ કાંદાની 2 લાખ જેટલી થેલીનો સ્ટોક થઈ ગયો છે. રોજ અંદાજે 50,000 થેલીની હરાજી કરવામાં આવશે. જો કે સફેદ ડુંગળીની ખરીદી તો ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીની એક થેલીમાં 50 કિલો ડૂંગળી હોય છે. આજે લાલ ડુંગળીના પ્રતિ 20 કિલોના ભાવ મહુવા APMCમાં 40-135 હતા.

મહુવાના ડુંગળીના વેપારી જીજ્ઞેશ પંડ્યાએ જણાવ્યુ હતુ કે અત્યારે ડુંગળીની સિઝન છે પરંતુ જેટલા માલની આવક છે તેટલુ વેચાણ થતુ નથી. માલનો સ્ટોક વધવાનુ આ પણ એક કારણ છે. તેમણે જણાવ્યુ હતુ કે કે આ વર્ષે સિઝનમાં લાલ કાંદાના ભાવ પ્રતિ 20 કિલોના રૂ. 40 થી રૂ.100ની આસપાસ મળી રહ્યા છે જ્યારે ગત સિઝનમાં ભાવ રૂ.200 થી ઉપર પહોંચી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મહુવામાંથી ડુંગળી પંજાબ, હરીયાણા, બિહાર, યુપી સહિતના રાજ્યોમાં જાય છે. આ વર્ષે ડુંગળીનુ ઉત્પાદન વધુ થયુ હોવાથી ભાવ ઓછા છે.

આગળ વાચો : ગુજરાતમાં ડુંગળી દોઢ રૂપિયે, લસણ પાંચ રૂપિયે વેચાતું જોઈને ખેડૂતો પહોંચ્યા કલેક્ટર પાસે, પણ…

રાજકોટ: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આ વર્ષે તળિયે પહોંચી જતા ગરીબ ખેડૂતો કે માટે રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે ડુંગળીનો પાક લેવા માટે જે ખર્ચ થાય છે એટલા ભાવ પણ મળતા નથી. આજે માર્કેટયાર્ડમાં સુકી ડુંગળીની આવક ૧ લાખ કિલો થઈ હતી અને તે માત્ર રૂ।.દોઢથી મહત્તમ રૂ. સાડા ચારના કિલો લેખે ખેડૂતોએ વેચી હતી. તેમાંય મહત્તમ ભાવ તો ઓછા ખેડૂતોને મળ્યો હતો. કિસાન સંઘે અગાઉ કલેક્ટરને ડુંગળી આપીને રોષ વ્યક્ત કરવાનો કાર્યક્રમ ઘડયો હતો પણ આ કાર્યક્રમ પછી યોજાયો ન્હોતો.

એક સમયે ડુંગળીના ભાવ રૂ.૪૦એ પહોંચ્યા હતા તે આ વર્ષે ૧૦માં ભાગથી ઓછા થઈ ગયા છે. સુકી ડુંગળીના પગલે હાલ શિયાળામાં જ આવતી લીલી ડુંગળીના ભાવ પણ ઘટીને કિલોના રૂ.૫થી ૯ રહ્યા હતા.

તો કોબીજના ભાવ આ વખતે પહેલેથી જ ઓછા રહ્યા છે. આજે કોબીઝ રૂ.૬થી ૧૨-૫૦ના ભાવે તો કોથમીર પણ રૂ.૨.૫૦થી રૂ.૪ના ભાવે સોદા થયા છે. જો કે આ શાકભાજી જ્યારે બજારમાં આવે ત્યારે નફાખોર વિક્રેતાઓ તેના પર તોતિંગ નફો ઉમેરી દે છે અને ગૃહિણીઓને સસ્તુ મળતું નથી. સરકાર ખેડૂતો પોતાનો માલ સીધો ગ્રાહકોને વેચી શકે તેવી વ્યવસ્થા હજુ સુધી કરી નથી.

જણસીઓમાં પહેલેથી જ એક મણના કપાસમાં રૂ.૧૦૦૦થી ૧૧૦૦, આજે તુવેરના ૯૫૦થી ૧૧૬૦, મગના રૂ।.૯૮૫થી ૧૨૦૦ ભાવ મળે છે. પરંતુ, સુકુ લસણ પહેલેથી સસ્તુ છે જે આજે રૂ.૫થી ૧૨ના કિલો લેખે વેચાયું હતું.

આગળ વાચો : બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે ખેડૂતોની વિરોધ રેલી, અનેક ખેડૂત ભાઇ બહેનો જોડાયા, કલેક્ટરને અપાયું આવેદનપત્ર

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદીત થઇ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય થઇ રહ્યો હોવાના વિરોધ સાથે ખેડૂતો સરકાર સામે મેદાન પડ્યા છે. આજે બુધવારે ખેડૂતોએ નવસારીમાં બુલેટ ટ્રેન અંગે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ખેડૂત ભાઇ બહેનો જોડાયા હતા.

ગુજરાત ખેડૂત સંગઠન દ્વારા આયોજીત આ રેલી નવસારી જિલ્લા કલેક્ટર કચેરી જઇને કલેક્ટરને આ અંગે આવેદન પત્ર આપવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત ખેડૂત સંગઠન દ્વારા નવસારીમાં બુલેટ ટ્રેન મુદ્દે ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઇ બહેનો જોડાયા હતા. આ સાથે ખેડૂતોના આ વિરોધને કોંગ્રેસ દ્વારા પરોક્ષ રીતે સમર્થન આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ખેડૂતોના ન્યાય માટે કોંગ્રેસ આગળ આવશે એવું કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું.

એક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે, મોદી સરકારની 2022 સુધીમાં ખેડૂતોની આવકને બે ગણી કરવાની વાત કરી રહી છે તો અહીં ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ચોક્કસ પણે અહીંના લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની આંખ ઉઘાડવા માટે ગુજરાત ખેડૂત સમાજ આવનારા દિવસોમાં મોટું આયોજન કરી રહ્યું છે. સાથે સાથે સરકારની આંખ ઉઘાડવા માટે પણ આવનારા દિવસોમાં રણનીતિ ઘડીશું.

જે ગામમાં રેલવેની જમીન હતી એ નવા ભાવથી સરકારે લીધી છે જ્યારે ખેડૂતોની જમીન જંત્રીના ભાવે લેવામાં આવી રહી છે તો સરકારની આ બેવડી નીતિ અહીં ઉઘાડી પડી રહી છે. આ અંગે હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે જેને હાઇકોર્ટે પણ ગંભીર રીતે નોંધ લીધી છે. એમ તેમણે જણાવ્યું હતું.

2013ના કાયદા પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઇએ એવી ખેડૂતોની લાગણી અને માંગણી છે. આ માગણી નહીં સંતોષાય તો ખેડૂતો આંદોલનના માર્ગ અપનાવશે.