પ્રધાનમંત્રી મોદીનો નવો કીમિયો: દીવો કરો, કોરોનાને ભગાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે દેશવાસીઓને વીડિયો સંદેશમાં કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ૯ મિનિટ સુધી ઘરની લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવવા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે દેશવાસીઓને વીડિયો સંદેશમાં કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ૯ મિનિટ સુધી ઘરની લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવવા અપીલ કરી છે. દેશવાસીઓને તેમના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે લોકડાઉનના શુક્રવારે નવ દિવસ પૂરા થયા છે.

તમે જે રીતે ૨૨મી માર્ચે કોરોના વિરુદ્ધ લડનારી દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો અને સમગ્ર વિશ્વને દેશની એકતાની મહાનતાનો પરિચય કરાવ્યો હતો, તે જ રીતે આ રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે આપણે દિપ પ્રગટાવીને કોરોનાના અંધકારને દૂર કરવા માટેની લડાઈમાં આપણી કટીબદ્ધતા દર્શાવવાનો સમય છે.

બીજીબાજુ વડાપ્રધાન મોદીની આ જાહેરાત પછી ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર તેમની ઠેકડી ઉડાવાઈ હતી અને અનેક લોકોએ સવાલ કર્યો હતો કે આ વૈજ્ઞાાનિક જમાનામાં મોદીનો આ નવો મંત્ર કેવી રીતે ચાલી શકે. એક દિવડો કેવી રીતે કોરોના ભગાડશે તેવો પણ સવાલ સોશિયલ મીડિયામાં ચર્ચાતો થયો હતો.

સામૂહિક શક્તિનો સાક્ષાત્કાર આપણને મનોબળ આપે છે

તેમણે આગળ કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘરની બધી જ લાઈટો બંધ હશે અને ચારે તરફ દરેક વ્યક્તિ એક-એક દીપ પ્રગટાવશે ત્યારે પ્રકાશની જે મહાશક્તિ પ્રજ્વલિત થશે, તે અનુભૂતિ કરાવશે, જેમાં એક જ આશય હશે કે આપણે બધા સાથે લડી રહ્યા છીએ. આ સામૂહિક શક્તિનો સાક્ષાત્કાર આપણને મનોબળ આપે છે, લક્ષ્ય આપે છે, તેની પ્રાપ્તિ માટે ઊર્જા આપે છે, આપણો માર્ગ વધુ સ્પષ્ટ થશે. કોરોનાની મહામારીથી ફેલાયેલા અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ જવાનું છે.

દીવા દઝાડશે કે ઉજાળશે …  એ સમય જ નક્કી કરશે

ભારતના વડાપ્રધાન આટલી મોટી મહામારીના સમયે આવી જાહેરાત કરે તે તેમના પદને કે રાષ્ટ્રના વડાની ગરીમાને શોભા આપે તેવી જાહેરાત નથી. મહામારી સામે લડવા માટે ૨૧ દિવસ સુધી લોકો ઘરમાં પુરાઈ જાય, સામાન્ય લોકોને બે ટંક ખાવા પુરતું અનાજના ફાંફા હોય, રોજીંદા કામદારો પાસે ખાવાનું ધાન ન હોય, તેવે સમયે લોકોની યાતનાઓની ચિંતા કે આયોજન કરવાને બદલે ઘંટડીઓ વગાડવી, તાળીઓ પાડવી, રાત્રે લાઈટો બંધ કરી દિવા પ્રગટાવા આવા નુસ્ખા સુખી વર્ગ દ્વારા ગરીબોની મજાક ઉડાડવા માટે યોજાતા  હોય તેવું ચિત્ર ઊભુ થઈ રહ્યું છે. રાષ્ટ્ર અને પ્રજા હંમેશા એક જ હોય. નાગરિકોની દેશભક્તિ, શિસ્ત, રાષ્ટ્ર માટેની કટિબદ્ધતા, પ્રજાનું શૌર્ય, પ્રજાની મહાશક્તિ માપવા કે જગાડવા માટે આવા હાસ્યાસ્પદ નુસ્ખા કે ટુચકા, લોકોમાં તમારા માટેની લોકપ્રિયતા, એક આદર ભાવમાં ઘટાડો કરનારું, ઓટ લાવનારૂં પુરવાર થશે. સત્તા સ્થાને છો માટે તમારો લોકોની વેદનાઓ સાથેના સંપર્ક તુટી ગયો હોય પરંતુ આ એ જ લોકશક્તિ છે જે તમને ઊંચે સ્થાને બેસાડી શકે છે તે જ લોકશક્તિની મશ્કરી  કરવી તે કેટલું ઊચીત છે તે સમય જ કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *