ગુજરાત(gujarat): મોરબી(Morbi, Gujarat)માં ગઈકાલે સાંજે મચ્છુ નદી(Machhu river) પરનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં 400થી 500 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.એવામાં આ ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે તપાસ કરતા અધિકારીઓ પસેથી જાણવા મળ્યું કે, આ બ્રિજ પર છેલ્લા ચાર દિવસમાં 12 હજાર લોકો આવ્યા હતાં. પરંતુ હજુ પણ કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, અકસ્માતના દિવસે માત્ર 210 જ લોકોને ટીકિટ આપવામાં આવી હતી.
મોરબીમાં ગઈકાલે સાંજે બનેલી ઝૂલતો પુલ દુર્ઘટના બાદ હાલમાં દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે, મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં તપાસ કરતા અધિકારીઓ પસેથી મળતી માહિતી અનુસાર, હાલ દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી રજાઓ માણવા અહિયાં લોકોની ભીડ જમા થઇ હતી. આ બ્રિજ પર આજે આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આવી મોટી દુર્ઘટના સર્જાઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.
એક સામાન્ય ગણતરી પ્રમાણે, એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ગણીએ તો બ્રિજ પર દુર્ઘટના સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટનથી વધુ વજન હોવાનું અનુમાન લગાવી શકાય છે. પરંતુ વાસ્તાવિકતામાં બ્રિજ 100 લોકોનું વજન ઝીલી શકે તેટલી જ કેપેસિટી ધરાવે છે તેવું સરકારના જાણકાર અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. તેમજ એક અનુમાન મુજબ, દુર્ઘટના સમયે પુલ પર 500 થી પણ વધુ લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે બ્રિજ પર કેપિસિટી કરતા વધારે વજન થતાં બ્રિજના કટકા થઈ ગયા હતા.
મોરબી પાલિકાના ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ
મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સાથે વાતચિત દરમ્યાન મોટો ઘટસ્ફોટ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો. આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરી અને લોકોના મનોરંજન માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ આ બ્રિજ જૂની ડિઝાઈનનો હતો.
અત્રે નોધનીય છે કે, મોરબીના આ ઝુલતા બ્રિજનું સંચાલન નગર પાલિકા કરે છે અને નગર પાલિકાનું સંચાલન શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા આ દુર્ઘટનાથી અજાણ હોય તેવી રીતે કહી રહ્યાં છે કે, મને તો આ દુર્ઘટના વિશે કંઈ ખબર જ નથી. અમારા મંત્રી બ્રિજેશ મેરજા બધી કામગીરી સંભાળી રહ્યા છે તેમ છતાં બે દિવસ પછી આખીયે ઘટના અંગે માહિતી આપીશું.
કેબલ બ્રિજ 100 વર્ષથી વધુ જૂનો હોવાનું કહેવાય છે. તે બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. રાજા-મહારાજાઓના સમયનો આ પુલ ઋષિકેશના રામ-ઝુલા અને લક્ષ્મણ ઝુલા પુલની જેમ ઝૂલતો જોવા મળ્યો હતો, તેથી તેને ઝુલતા પુલ પણ કહેવામાં આવે છે. ગુજરાતી નવા વર્ષ પર માત્ર 5 દિવસ પહેલા જ તેનું નવીનીકરણ પછી શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલ 7 મહિનાથી બંધ હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના જ બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.