વાંકાનેરમાં માતા-પિતાએ પોતાની મોટી દીકરી સાથે મળી નાની દીકરીને મોતને ઘાટ ઉતારી; પ્રેમ પ્રકરણમાં દીકરીને મળી તાલીબાની સજા, જાણો મામલો

Morbi News: મોરબીના વાંકાનેરમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતા સગીર દીકરી તેની સાથે ફોન પર વાત કરતી હતી. આ કારણે માતા-પિતા અને મોટી દીકરીએ સાથે મળીને સગીરાની હત્યા કરી નાખી. આ બાદ હાર્ટ એટેકથી દીકરીનું મોત થયાની વાત ઉપજાવી કાઢી હતી. જોકે સંબંધીના કારણે હત્યાનો સમગ્ર મામલો સામે આવી ગયો હતો. વાંકાનેર(Morbi News) તાલુકા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીને હાર્ટએટેક આવ્‍યાનું જાહેર કર્યું
વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે બનેલા એક ચોંકાવનારા બનાવમાં માતા – પિતા અને બહેને સાથે મળી પ્રેમાંધ બનેલી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્‍યા કરી નાખ્‍યા બાદ જાણે કઈ જ બન્‍યું ન હોય તેમ દીકરીને હાર્ટએટેક આવ્‍યાનું જાહેર કર્યું હતું. જો કે કૌટુંબિક સગાને બનાવ શંકાસ્‍પદ લાગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્‍યો હતો.ત્યારે બહાર આવ્યું હતું કે સગીરાને માતપિતાએ તેના બામણબોર ખાતે રહેતા પ્રેમી સાથે ફોનમાં વાત કરવાની ના પાડી હોવા છતાં દીકરી વાત કરતી હોવાથી માતાપિતાએ અને દીકરીએ મળી સગીરાની હત્યા કરી છે.

સગીર દીકરીની પ્રેમ સંબંધમાં હત્યા
વિગતો મુજબ, વાંકાનેરાના દિઘડિયા ગામમાં રિંકલ ગોંડલિયા નામની સગીરાની તેના જ માતા-પિતા અને બહેને મળીને હત્યા કરી નાખી. સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા. પરિવારે દીકરીને પ્રેમી સાથે બોલવાની ના પાડી હતી. તેમ છતાં દીકરી ફોન પર અવારનવાર પ્રેમી સાથે વાત કરતી હતી.

ઓશિકાથી મોઢું દબાવીને હત્યા
જે બાદ માતા-પિતા અને મોટી દીકરીએ મળીને ઓશિકાથી સગીરાની હત્યા કરી નાખી હતી. આ બાદ બીજા દિવસે હાર્ટ એટેકથી તેનું મોત થયાની વાત ઉપજાવી કાઢી હતી. આથી આસપાસના લોકો અને નજીકમાં રહેતા સંબંધીઓ ત્યાં આવી ગયા હતા. સગીરાના મૃતદેહમાં ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી સંબંધીએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ખૂલ્યો હત્યાનો ભેદ
જેથી વાંકાનેર તાલુકા પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે રાજકોટમાં ખસેડ્યો હતો. તો સગીરાના પિતાએ પણ પોલીસની પૂછપરછમાં ભાંગી પડીને પોતાનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. હાલમાં પોલીસે આરોપી માતા-પિતા અને બહેન વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.