ગુજરાત(Gujarat): મોરબી પુલ દુર્ઘટના(Morbi bridge Collapse) મામલે ગઈકાલે પોલીસ દ્વારા જયસુખ પટેલ(Jaysukh Patel)ને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસે જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં બનેલ ઝુલતો પુલ દુર્ઘટના કેસને લઈને ઓરેવાના માલિક જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો હતો. ચાર્જશીટમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. માત્ર એટલું જ નહી પણ પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો છે.
વધુમાં સમારકારની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ અંગે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના ઘટવા પામી હતી.
તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યો હોવાનો પણ ભાંડો ફૂટ્યો છે. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપી દેવાયું હોવા ઉપરાંત પુલ નદીમાં હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનો પણ મોટો ખુલાસો થયો છે.
મોરબી બ્રિજ મુદ્દે HCમાં થઈ હતી સુનાવણી:
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.