મોટી દુર્ઘટના: વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 20થી વધુ વિધાર્થીઓ ડૂબ્યા- 12ના મોત 7 લાપતા, જાણો વધારે વિગત

Vadodara News: વડોદરા શહેર(Vadodara News)ના હરણી લેક ઝોન (Harni lake) ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના સર્જાય છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો…

Vadodara News: વડોદરા શહેર(Vadodara News)ના હરણી લેક ઝોન (Harni lake) ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના સર્જાય છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબી ગયા હતા. જોકે, ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારપછી ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં 12 જેટલા લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 10 બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાળકો બોટિંગ કરી રહ્યાં હતા: ડેપ્યુટી મેયર
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું છે કે, અહીંયા બાળકો બોટિંગ કરી રહ્યાં હતા. તે બોટ ઊંધી વળી ગઈ છે. અન્ય બાબતની મને ખબર નથી.

ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી
હરણી લેક ઝોન ખાતેના તળાવમાં ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પાસે ભેગા થઈ ગયા છે.

સાત બાળકો હોસ્પિટલમાં-કલેક્ટર
વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું છે કે, મારી જાણકારી અનુસાર 23 ભુલકાઓ અને 4 શિક્ષકો તેમાં હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત હાલતમાં છે.

7 ભૂલકાઓ લાપતા
ત્યાંથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર ટોટલ 23 બાળકોને બોટમાં બેસાડ્યા હતા. જેમાંથી સ્થળ પરથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર હજુ પણ 7 ભૂલકાઓ લાપતા છે.

બાળકોની સેફ્ટી માટે લાઈફ જેકેટ પણ નથી-વિપક્ષ નેતા
વિપક્ષ નેતાએ જણાવ્યું છે કે, આ ઘટનામાં બેદરકારી છે. નાના બાળકોને તેમના સ્કૂલના શિક્ષકો લઈને આવ્યા હતા. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન જવાબદાર છે. જ્યારે એક હોનારત આપણે ત્યાં થઈ હતી એના પરથી પણ ના સમજ્યા. બાળકો ઉપર સેફ્ટી માટેના લાઈફ જેકેટ પણ નથી તો જવાબદાર કોણ છે. ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવવાની લાલસા ચાલી રહી છે.

જવાબદાર સામે પગલાં લેવાશે- ધારાસભ્ય કેયુર રોકડીયા
ધારાસભ્ય કેયુર રોકડીયાએ આ ઘટના બાબતે જણાવ્યું છે કે, આ ઘટના દુઃખદ, ખુબ જ ગંભીર કહેવાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય કહેવામાં આવે છે, તેની સાથે આ ઘટના બની છે. આ ઘટનામાં જે પણ નાની મોટી ચૂક હશે તેની ગંભીરતાની નોંધ લેવામાં આવશે. હાલમાં આ બાળકોને બચાવવાની કામગીરી પહેલા છે. જે કોઈની ભૂલ હશે તેની સામે કડક પગલા લેવામાં આવશે. બાળકોની સેફ્ટીને લઈ ચૂક થઈ હશે તો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક- CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગંભીર ઘટના અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારના લોકો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની તમને શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલી રહી છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.

સવારે 8 વાગ્યે પિકનિક લઈ ગયા હતા- બાળકીની માતા
વડોદરાના આજવા રોડ ઉપર રહેતી 8 વર્ષ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નેન્સીની માતા નિરાલીબેनએ જણાવ્યું છે કે, સવારે 8 વાગ્યે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા.