હત્યા (Murder)ના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. કોઈનો જીવ લેવો એ જાણે આમ વાત બની ગઈ છે. ત્યારે હાલમાં જ વધુ એક હત્યાના સમાચાર મળી આવ્યા છે. મોરબી (Morbi)ના મહેન્દ્રનગર(Mahendranagar) ગામમાં શીતળા માતાના મંદિર નજીકના વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત નામનો યુવક મંગળવારે નોકરી કરી ઘરે આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે બાઇક લઇ બહાર નીકળ્યો હતો ત્યારે મિલન કટલેરીની દુકાન નજીક ઠોકર મારી ત્રણ શખ્સ એક કારમાં તેનું અપહરણ કરી દુર લઇ ગયા હતા અને ધોકા પાઈપ અને ઢીકા પાટુનો માર મારી ગંભીર ઈજા પહોચાડી હતી.
યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો:
યુવકને ઢોર માર માર્યા બાદ તેના પરિવારજનોને આ વાતની જાણ થતા યુવકને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે તબિયત વધુ લથડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે મૃતકની માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતે મહેન્દ્રનગર ગામમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ વિડજા, પરેશભાઈ બાલુભાઈ વિડજા અને મીનાબેન બાલુભાઈ વિડજા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાવડાના હાથા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ:
મળતી માહિતી અનુસાર, મૃતક મિતેશ અને ભત્રીજો નીતેશ તેનું બાઈક લઈને મહેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક કારે સામેથી આવી ને ઠોકર મારી તેમને પછાડી દીધા હતા. બાદમાં ધર્મેશ વિડજા નામની વ્યક્તિ કારમાંથી નીચે ઉતર્યા અને બન્ને પર પાવડાના હાથા વડે તેમના પર હુમલો કર્યો હતો. જેમ તેમ કરીને નીતેશ બચીને ઘરે આવ્યો હતો. પરંતુ, મિતેશનું કારમાં અપહરણ કરી દુર લઇ ગયા હતા. જયારે બાઈક ત્યાં પડ્યું હતું.
આ પછી સાંજના સમયે ચંદુભાઈ નામની કોઇ વ્યકિતનો ભરતભાઈને ફોન આવ્યો હતો કે, મહેન્દ્રનગરના સીએનજી પંપની પાછળના ભાગમાં તમારો પુત્ર મિતેશ લોહી લુહાણ હાલતમાં છે. આ વાતની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
મિતેશે જણાવ્યું હતું કે હેતવી પટેલ સાથે પ્રેમસંબંધ હતો:
હોસ્પિટલ જતી વખતે મિતેશે જણાવ્યું હતું કે, મહેન્દ્રનગરમાં રહેતી હેતવી પટેલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેનો ખાર રાખી તેના પર હુમલો કરી હત્યા નીપજાવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક મિતેષ કુબાવત અને તેના પિતા ભરતભાઇ કુબાવત મોરબીમાં મહિલા હેલ્પ લાઈન 181માં કોન્ટ્રાકટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.