વડોદરા(Vadodara): સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે, ત્યારે વડોદરાના દંતેશ્વર(Danteshwar)માં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં માતાના મૃત્યુ બાદ દીકરી પરીક્ષા આપવા માટે બરોડા(Baroda) હાઇસ્કૂલ ONGC ખાતે પહોંચી ગઈ હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થિની ખુશી પાટકરે(Khushi Patkar) જણાવ્યું હતું કે, પેપર સારું ગયું છે.
મળતી માહિતી અનુસાર, દંતેશ્વર વિસ્તારમાં આવેલ અનુપમનગરમાં વસવાટ કરતી ખુશી પાટકરને આજે ધોરણ 10 નું પહેલું પેપર હતું. જોકે, પરીક્ષામાં પહેલું પેપર આપે તે પહેલા જ ગઈકાલે રાત્રે ખુશીની માતા ભારતીબેન નું અચાનક મૃત્યુ થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
એક તરફ ઘરે માતાનું મૃત્યુ થયું અને બીજી તરફ બોર્ડની પરીક્ષા શરુ થતા ખુશી પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. આજે સવારના સમયે ખુશીની માતાના અંતિમસંસ્કાર કરવાના હતા. અને બીજી તરફ ખુશીને બોર્ડની પરીક્ષા હોવાથી તે પરીક્ષા આપવા માટે ગઈ હતી. ખુશીને બરોડા હાઇસ્કૂલ ONGC માં નંબર લગતા તે પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપવા માટે પહોંચી હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. એક તરફ ખુશીની માતાના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા અને બીજી બાજુ ખુશી બરોડા હાઇસ્કૂલ ONGC ખાતે પરીક્ષા આપી રહી હતી. જેના કારણે ખુશી માતાને અંતિમ વિદાય આપી શકી ન હતી.
માતાના મૃત્યુ બાદ પણ ખુશીએ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. ખુશીની હિંમતને જોઈને પરિવારના લોકો પણ તેને પરીક્ષા કેન્દ્ર સુધી લઈને ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે વડોદરાના મેયર નિલેશ રાઠોડને માહિતી મળતા જ તેઓ દીકરી ખુશી અને તેના પરિવારજનોને મળવા માટે પોહચી ગયા હતા. મેયરે પરિવારજનો અને ખુશીને આશ્વાસન આવ્યું હતું. ખુશીની ફોઈએ મેયર સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી હતી. કારણકે ખુશીને માતાની અંતિમ ક્રિયામાં ન જવા દેવામાં માટે પણ રજા આપવામાં ન આવી હતી.
દીકરી ખુશીના ફોઈ દિપીકાબેન ઉત્તેકરે મેયરને જણાવ્યું હતું કે, ગઈકાલે મારા ભાભીનું મોત થયું હતું અને આજે ખુશીને બોર્ડની પરીક્ષા હોવાથી અમે તેને પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર લઈને આવ્યા છીએ. અમે તેને ખુબ જ મનાવી હતી, અને અંતે તે બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ હતી. તેની માતાને ટીબી હોવાથી તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ખુશીના પિતા છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જયારે માતા ગૃહિણી તરીકે લોકોના ઘરે જઈને કામ કરતા હતા. ખુશીને 3 વર્ષની એક નાની બહેન પણ છે, ખુશીની બહેનનું નામ ‘માહી’ છે. માતા ઈચ્છતી હતી કે, ખુશીને સારું શિક્ષણ મળી રહે. ખુશીને ITI કરીને કોમ્પ્યુટરમાં માસ્ટરી કરવાની ઈચ્છા છે. ખુશી દંતેશ્વર ગામમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.