સમગ્ર રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા તાલુકાના લાભી ગામમાં 50 વર્ષનાં સાસુએ પુત્રવધૂના ત્રાસથી કંટાળીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે નણંદે પોતાની ભાભી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે.
સાસુએ પુત્રવધૂને અપશબ્દો બોલવાની ના પાડતા ઝઘડો થયો:
શહેરા તાલુકામાં આવેલ લાભી ગામમાં રહેતા 50 વર્ષનાં ધનીબેન કાળુભાઇ વણકરને તેમની પુત્રવધૂ જ્યોત્સનાબેન ગિરીશભાઇ વણકર સાથે કેટલીકવાર ઝઘડાઓ થતા રહેતા હતા. રવિવારે ઘરે મહેમાન આવ્યા હોવાને લીધે ધનીબેને પુત્રવધૂ જ્યોત્સનાને અપશબ્દો બોલવા માટેની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે ધનીબેનને મનમાં લાગી જતા પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ હતું.
પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો:
ઘટનાની જાણ થતાંની સાથે જ શહેરા પોલીસ સ્ટેશનને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પુત્રવધુએ સાસુની હત્યા કર્યાનો આરોપ મૃતકના પરિવારજનો દ્વારા કરાયો હતો. જ્યારે મૃતક મહિલાની દીકરી વર્ષાબેને પોતાની સગી ભાભી વિરુદ્ધ ફરિયાદ નોધાવતાં પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
મારી પત્ની મારા મમ્મી-પપ્પાને ખૂબ હેરાન કરતી હતી:
આરોપીના પતિ તેમજ મૃતક મહિલાના દીકરા ગિરીશ વણકર જણાવે છે કે, હું કામ માટે ઘરેથી બહાર ગયો હતો, ત્યારે મને ફોન આવ્યો હતો કે, મારી મમ્મીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેમજ મારી પત્ની જ્યોત્સના મારા મમ્મી-પપ્પાને ખૂબ હેરાન કરતી હતી. તેને બહુ વખત સમજાવી હતી, તેમ છતાં તે આવું કરતી હતી.
મેં ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે:
મૃતક મહિલાની દીકરી વર્ષાબેન જણાવે છે કે, મારી મમ્મી સાથે મારી સગી ભાભી જ્યોત્સના કોઇને કોઇ મામલે ઝઘડો કરતી હતી. જેને લીધે મારી મમ્મીએ આ પગલુ ભર્યુ છે. મેં મારી ભાભી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.