વર્ષ 2016માં એક ફિલ્મ ‘કાબિલ’ આવી હતી. આ ફિલ્મમાં રિતિક રોશન અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં બંને પતિ-પત્નીના રોલમાં હતા અને બંનેને અંધ બતાવવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં રોનિત રોય અને રોહિત રોય વિલનની ભૂમિકામાં હતા. ફિલ્મમાં રોહિત રોય રિતિકની પત્ની એટલે કે યામી ગૌતમ સાથે દુષ્કર્મ આચરે છે. જે બાદ યામી ગૌતમે આત્મહત્યા કરી લીધી હતી. આ પછી ફિલ્મ જોવા જેવી છે કારણ કે હૃતિક રોશન તેની પત્નીના દુષ્કર્મ અને આત્મહત્યાનો બદલો લે છે અને રોહિત રોયને મોતને ઘાટ ઉતારે છે. હાલ આવી જ એક ફિલ્મી ઘટના સામે આવી છે.
આ એક ફિલ્મ હતી, પરંતુ મધ્યપ્રદેશના રતલામમાં આવું જ બન્યું હતું. રતલામમાં રત્તાગડખેડા ગામ છે, પાંચ દિવસ પહેલા એક વ્યક્તિનું તેના જ ખેતરમાં થયેલા મોટા વિસ્ફોટમાં મોત થયું હતું. હવે પોલીસે આ ઘટનાનો પર્દાફાશ કરીને ખેડૂતની હત્યાના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુરેશ લોઢાએ પોતાની પત્ની પર સામૂહિક બળાત્કારનો બદલો લેવા માટે લાલ સિંહને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે સુરેશ ટૂંક સમયમાં તેની પત્ની પર દુષ્કર્મ કરનાર અન્ય બે આરોપીઓને મારી નાખવાનો હતો.
શું છે સમગ્ર મામલો?
માહિતી અનુસાર, રતલામ પોલીસે આખા મામલાની માહિતી આપતાં કહ્યું કે, મૃતક લાલ સિંહ, પૂર્વ સરપંચ ભંવરલાલ અને દિનેશ પર લગભગ એક વર્ષ પહેલા સુરેશ લોઢાની પત્ની પર દુષ્કર્મનો આરોપ હતો. આરોપીઓએ પોલીસમાં ફરિયાદ કરશો તો સુરેશ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી, સુરેશ તેની પત્નીના અપમાનનો બદલો લેવા ત્રણેયને ઉડાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આજથી લગભગ 6 મહિના પહેલા તેણે ભંવરલાલને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સુરેશે તેમને જિલેટીન સળિયા અને ડિટોનેટરનો ઉપયોગ કરીને ટ્યુબવેલના સ્ટાર્ટર સાથે જોડી દીધા હતા, વિસ્ફોટ પણ થયો હતો પરંતુ ભંવરલાલ નાસી છૂટ્યા હતા.
આ ઘટનાના 6 મહિના પછી એટલે કે, ગયા અઠવાડિયે સુરેશ લોઢાએ વધુ વિસ્ફોટક એકઠા કરીને પત્નીના દુષ્કર્મના બીજા આરોપી લાલ સિંહને નિશાન બનાવ્યો અને આ વખતે તે પોતાનો જીવ લેવામાં સફળ રહ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, સુરેશે આ વખતે વિસ્ફોટ કરવા માટે 14 જિલેટીન સ્ટિકનો ઉપયોગ કર્યો હતો. 4 જાન્યુઆરીની રાત્રે, તે લાલસિંહના ખેતરમાં ગયો અને કૂદાથી માટી ખોદી અને ટ્યુબવેલના સ્ટાર્ટર સાથે 14 સળિયા અને ડિટોનેટર જોડ્યા હતા. સવારે જ્યારે લાલ સિંહ પોતાના ખેતરમાં પહોંચ્યો અને તેણે સ્ટાર્ટરનું બટન દબાવતા જ જોરથી વિસ્ફોટ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
આ મામલો જિલેટીન લાકડીઓ અને વિસ્ફોટ સાથે સંબંધિત હતો, તેથી એક SIT ટીમ બનાવવામાં આવી હતી જેણે આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન SIT ટીમને સુરેશ લોઢાની પત્ની સાથે કથિત રીતે દુષ્કર્મની ઘટનાની જાણ થઈ હતી. ગામના લોકોએ એમ પણ જણાવ્યું કે સુરેશ લોઢા ઘટનાના દિવસથી પરિવાર સાથે બહાર ગયા છે. જ્યારે સાયબર સેલની મદદથી તેનો ફોન ટ્રેસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તે આ જ ગામમાં છે. તે મંદસૌરમાં જ પકડાયો હતો, પોલીસની પૂછપરછ દરમિયાન સુરેશ લોઢાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.