ACB ટીમનો સપાટો: સુરતમાં 2.50 લાખની લાંચ લેતા ઝડપાયો મનપાના ચીફ એકાઉન્ટન્ટ- જાણો શેના માટે માંગ્યા રૂપિયા

2.50 lakh bribe in Surat: સુરતમાં ACB સપાટો બોલાવ્યો છે. રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા 2.50 લાખની લાંચ(2.50 lakh bribe in Surat) કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. લાંચિયો અધિકારી તેજસ પ્રકાશચંદ્ર આરિવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટન્ટ છે. જ્યારે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઇ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો (SMC) ચીફ એકાઉન્ટન્ટ (CA) અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાય ગયા હતા. ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળી ગયા બાદ સિક્યોરીટી ડિપોઝીટ પેટે જમા કરાવેલા રૂપિયા પરત મેળવવા લાંચ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બન્નેને ACB એ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ ચાલુ કરી છે.

આ અંગે ACB એ જણાવ્યું હતું કે, લાંચ લેતા ઝડપાયેલા બે પૈકી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2 સુરત મહાનગર પાલિકા મુગલીસરામાં ચીફ એકાઉન્ટ તરીકે અને લાલુભાઇ ભીખુભાઇ પટેલ વર્ગ-4 પટાવાળા સુરત મહાનગર પાલિકામાં કામ કરે છે. મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર પૂરો કયા બાદ સીક્યુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવેલા નાણા પરત મેળવવા અરજી કરાઈ હતી. જેને લઈ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ. 2.50 લાખની લાંચ(2.50 lakh bribe in Surat) માંગવામાં આવી હતી.

જોકે, આ સમગ્ર મામલે ACBમાં ફરિયાદ થતા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને પટાવાળા લાલુ ભીખુભાઇ પટેલને ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી પાસેથી અઢી લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા. ACBએ બંનેની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત મહાનગરપાલિકામાં ચીફ એકાઉન્ટન્ટ રૂપિયા લેતા પકડાતા સમગ્ર કોર્પોરેશનની અંદર જબરજસ્ત ખળભળાટ મચી ગયો હતો. બપોર બાદ ધીરે ધીરે આ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી બાબુઓ નાના નાના કામ માટે સામાન્ય જનતા પાસેથી ટેબલ નીચે રૂપિયા લેતા હોય છે ત્યારે ક્યારેક ટેબલ નીચેથી ચા પાણીના રૂપિયા લેવા જવું સરકારી બાબુઓને ભારે પડી જતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *