હું ૨૩ વર્ષનો અપરિણીત અને હૃદયરોગનો દર્દી છું. નેપાળમાં રહું છું. આજ સુધી તો મારા દેશમાં જ તેનો ઈલાજ કરાવતો રહ્યો, પણ કશો ફાયદો થયો નથી. મને લાગે છે કે કદાચ ઓપરેશન કરાવ્યા પછી જ સારું થશે. એ માટે ભારત આવવા માગું છું. કોઈ સારા હૃદયરોગ નિષ્ણાતનું સરનામું અને સારવારના ખર્ચ વિશેની માહિતી આપવા વિનંતી છે. – એક યુવક
તમને હૃદયની કયા પ્રકારની બીમારી છે તે વિશેની પૂરી વિગતો અને અત્યાર સુધીમાં લીધેલી સારવારની માહિતીની નકલો મોકલી હોત તો અમે એ માટેના નિષ્ણાત ડોક્ટરની અને સારવારની તેમ જ ખર્ચની માહિતી આપી શકત.
આ બધાના અભાવે હાલ પૂરતું એટલું ચોક્કસ કહી શકાય કે સારવાર માટે ભારત આવો તો કોઈપણ મોટા શહેરમાં તમને હૃદયરોગના નિદાન અને સારવારની અનેક સગવડ મળી શકે છે. મોટી મોટી હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં જ સાધનો હોવાથી સફળ ઈલાજ અને સારવાર મેળવી શકો છો.
હું ૨૨ વર્ષની યુવતી છું, મારો ચહેરો સુંદર છે, પણ સ્તન બહુ નાના હોવાથી જાણે સુંદરતા પર ગ્રહણ લાગી ગયું છે. બહેનપણીઓને જોઈને લઘુતાગ્રંથી અનુભવું છું. મારી મમ્મીની પણ આ જ સમસ્યા છે. એમની ઉંમર ૪૫ વર્ષ છે. કોઈ લાભદાયક ઉપાય બતાવશો. – એક યુવતી (મુંબઈ)
તમારો શારીરિક બાંધો, નાકનકશો, વગેરેનો ઘણો ખરો આધાર માતા-પિતાના જીન્સ પર રહેલો છે. સ્તનના આકારને પણ આ જ વાત લાગુ પડે છે. તમારો આકર્ષક ચહેરો પણ એનું જ પરિણામ છે. તમારા સ્તન તમે ઈચ્છો છો એટલા ઉન્નત અને સુડોળ ન હોય તો એને કોઈ ખામીના રૂપમાં લેવાને બદલે એનો સહજતાથી સ્વીકાર કરો.
કોઈ અભિનેત્રી, નૃત્યાંગના કે સેક્સસિમ્બોલ માટે ઉન્નત સ્તન જરૂરી હોઈ શકે છે. પણ સામાન્ય મહિલા માટે એ જરૂરી નથી. આથી સ્તન નાના હોવાની બાબતે મનમાં લઘુતાગ્રંથિ ન રાખો. વ્યાયામ, દવા, માલિશ વગેરેથી સ્તનનું કદ વધારી શકાતું નથી. કોસ્મેટિક સર્જરીથી સ્તન સુડોળ થઈ શકે પણ એ ચક્કરમાં ના પડો એ જ સારું છે.