સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. તો બીજી બાજુ ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો ઓછી થવાના બદલે સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીની વચ્ચે રાજ્યમાં 6 મહિના કરતાં વધારે સમયથી સરકારી તથા ખાનગી શાળા-કોલેજ બંધ પડેલી છે.
વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી તથા છેલ્લા ઘણાં સમયથી કોરોના મહામારીની વચ્ચે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. બીજી બાજુ ઓનલાઇન શિક્ષણ નીતિ બાબતે ફીનો મુદ્દો પણ હવે ગૂંચવાઈ રહ્યો છે. એવામાં આજે એક એવા શિક્ષકની વાત કરવી છે કે, જેઓ કોઈ પણ લોભ કે લાલચ વિના બાળકોને નિસ્વાર્થપણે અભ્યાસ કરાવી રહ્યા છે.
આ શિક્ષક ભુજમાં આવેલ માંડવી તાલુકાનાં બાગ નામના ગામની હુંદરાઈબાગ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યાં છે અને એમનું નામ દીપક મોતા છે. શિક્ષક દિપક મોતાને એક સવાલ મૂંઝવી રહ્યો હતો કે, ઓનલાઇન શિક્ષણનું પરિણામ મળવું જોઈએ તે પરિણામ મળતું નથી.
જેને લીધે શિક્ષકે બાળકો સુધી શિક્ષણ પહોંચી શકે તેની માટે પોતે પોતાની અલ્ટો કારમાં જ ડિજિટલ સ્કૂલની શરૂઆત કરી દીધી. તેઓ પોતાની અલ્ટો કારને લઈ બાળકોને અભ્યાસ કરાવવા માટે વિદ્યાર્થીઓના ઘરે પહોંચી જાય છે. શિક્ષક દિપક મોતાએ એમની અલ્ટો કારમાં શરૂઆત કરેલ સ્કૂલનું નામ ‘શિક્ષણરથ’ આપ્યું છે. તેઓ ‘શિક્ષણરથ’ દ્વારા બાળકોના ઘરે જઈને અભ્યાસ કરાવી રહ્યા છે.
શિક્ષકે એમની કારમાં કુલ 42 ઇંચનું LED ટીવી ગોઠવ્યું છે તેમજ TVને ચલાવવા માટે કારમાં ઇન્વર્ટર પણ ફિટ કરવામાં આવ્યું છે. જેને લીધે તેઓ આ શિક્ષણરથની મદદથી કોઈ પણ સ્થળે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે છે. શિક્ષક દિપક મોતા ‘શિક્ષણરથ’ લઈને સીમ વિસ્તારમાં નીકળી પડે છે તેમજ વિદ્યાર્થીઓને એક સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે બેસાડીને પોતાનું લેપટોપ LED ટીવીની સાથે કનેક્ટ કરીને વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ કરાવી રહ્યા છે.
અહી મહત્ત્વની વાત તો એ છે કે, માંડવી તાલુકામાં આવેલ અંતરિયાળ ગામડામાં ચોમાસાને લીધે વીજળીની સમસ્યાઓ ઘણીવાર ઊભી થાય છે. તો બીજી બાજુ મોબાઇલ નેટવર્ક ઓછું પકડાતું હોવાને લીધે કેટલાંક બાળકો ઓનલાઇન અભ્યાસ કરી શકતા નથી. અંતરિયાળ ગામમાં રહેતાં ઘણાં લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તેઓ બાળકોને મોબાઈલ અપાવી શકતા નથી.
જેને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી પણ શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈ શકે છે. આ નિર્ણય લઈ શિક્ષક દિપક મોતાએ પોતાની કારને ડિજિટલ સ્કૂલ બનાવીને વિદ્યાર્થીઓના ઘરે જઈને એમને અભ્યાસ કરાવી રહ્યા છે.
શિક્ષક દિપક મોતાનાં આ પ્રયત્નને લીધે માંડવી તાલુકામાં આવેલ અંતરિયાળ ગામના બાળકો શાળાએ ગયા વિના વીજળી, નેટવર્ક કે મોબાઈલ વિના જ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનાં વાલીઓ પણ શિક્ષકના આ અનોખા અભિગમને અપનાવ્યો છે. તેઓ શિક્ષકની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle