મુકેશ સોજીત્રા: રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી.
નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.
સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય.
સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય !
પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય..
એક દિવસ નીતાને કીધું : “તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું ” ? ” બસ મજા આવે” !!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો…
“તમે આ થોડો નાસ્તો ચાખોને ” નીતા કહેતી..
” ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી””?
” બસ, મજા આવે છે” નીતા નો એ જ જવાબ.. અને બને હસતા ! એક દિવસ સુકેતુ એ કીધેલું : ” હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?”
” બસ, મજા આવે છે” નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો… એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે..
સુકેતુ મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. પણ, લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.
“એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે” જમતાં જમતાં સુકેતુએ કહ્યું ” તે હું તમને નથી ગમતી” નીતા એ પૂછ્યું. ” ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ !!!” સુકેતુએ કહ્યું. ” પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે…
નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..
એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ પત્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો.
સુકેતુ એ પૂછ્યું કે ” તમારા માતા પિતા નો ફોટો છે ? ” “ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે”… સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. સાવ સાદો ફોટો હતો..
પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. ” સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!!
બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા. સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે,” બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો.
પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું…!
ઘણી બધી વાતો થઇ… છેલ્લે મયુરે એ પણ કીધું કે એ આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે . અને આજે તે બહેન ને મળવા જઈ રહ્યો છે. બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી… પછી શાંતિ છવાઈ ગઈ .
સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી… ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો..
અમદાવાદ આવ્યું.. સુકેતુ એ મયૂરને કહ્યું “ચાલ, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ” સુકેતુની ઓડી કાર માં બંને ગોઠવાયાં. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..
“નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે” સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું “નીતુ” સાંભળવા મળ્યું.. “અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા.
સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું…” સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ”!!
“બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં જ આનદ આવે!! બસ મજા આવે!! ” સુકેતુ ભીની આંખે બોલ્યો. બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી.. મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને.. ” હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!”
” હા જરૂર ” નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો, શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..
” મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી : “તમને આ ભાવશે? ફાવશે ??? ” હા, અને મજા પણ આવશે ” સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!! તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!
નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો.. ક્યારેક બેસીને વિચારજો કે જિંદગી જીવવા માટે શું જરૂરી છે? જો હમસફર સમજદાર હોય તો સંસાર રૂપી સાગર તરી જવાય છે. રૂપ ના જોશો ગુણ જોજો. કોઈ ના દિલ માં વસો એજ જીવન સાચું. બાકી મસ્કા મારે ને સ્વાર્થ પુરતો સંબંધ એતો દુનિયા નો નિયમ છે.
આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે : “માય ડીવાઈન ડ્રીમ, માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ “. જીંદગી જીવવા માટે એક સાથ હમસફરનો.