દુબઈ(Dubai), સંયુક્ત આરબ અમીરાત(United Arab Emirates) (UAE) માં દશેરાના એક દિવસ પહેલા 4 ઓક્ટોબરે એક નવા હિન્દુ મંદિર (Hindu temple)નું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતના ટોચના મહાનુભાવોની હાજરીમાં આ ભવ્ય મંદિરના દરવાજા સત્તાવાર રીતે ખોલવામાં આવ્યા હતા. આ હિન્દુ મંદિર જેબેલ અલીમાં અમીરાતના કોરિડોર ઓફ ટોલરન્સ (Corridor of Tolerance)માં આવેલું છે. આ મંદિર 70,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિરના ઉદઘાટન સમારોહમાં 200 થી વધુ મહાનુભાવો હાજર રહ્યા હતા.
જેમાં દુબઈના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન, યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ) માટે સોશિયલ રેગ્યુલેટરી અને લાયસન્સિંગ એજન્સીના સીઈઓ ડો. ઓમર અલ મુથન્ના, રાજુ શ્રોફ તેમજ દુબઈ હિન્દુ મંદિરના ટ્રસ્ટીનો સમાવેશ થાય છે. આ મંદિરની ખાસ વાત એ છે કે તેના પરિસરમાં ચર્ચ, ગુરુદ્વારા સહિત અનેક ધાર્મિક સ્થળો છે.
મંદિરના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા રાજદૂત સંજય સુધીરે કહ્યું, ભારતીય સમુદાય માટે આ એક આવકારદાયક સમાચાર છે કે આજે દુબઈમાં એક નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ UAEમાં રહેતા હિન્દુઓની મોટી વસ્તીની ધાર્મિક આકાંક્ષાઓને પૂર્ણ કરશે. આ નવું મંદિર એક ગુરુદ્વારાની બાજુમાં છે, જે 2012માં ખોલવામાં આવ્યું હતું.
દુબઈનું આ હિન્દુ મંદિર તમામ ધર્મોનું આધ્યાત્મિક કેન્દ્ર છે. મંદિરમાં હિંદુ ધર્મના 16 દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સાથે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નોલેજ હોલ અને સમુદાય કેન્દ્ર છે. મંદિરની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ નવું હિન્દુ મંદિર ભક્તો માટે સવારે 6.30 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરમાં દરરોજ 1000 થી 1200 લોકો એકઠા થઈ શકે છે.
આ હિન્દુ મંદિરના આયોજન, સ્થાપત્ય અને નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર હિન્દુ સમુદાયના નેતા અને રીગલ ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ રાજુ શ્રોફ કહે છે કે કોવિડ-19 છતાં દુબઈ સરકારના સહકારને કારણે ત્યાં મંદિરના નિર્માણમાં કોઈ અવરોધ નથી. આ હિન્દુ મંદિર ખરેખર દુબઈ સરકારના સહકારનું ઉદાહરણ છે. પ્રથમ હિન્દુ મંદિર દુબઈમાં 1958માં પૂર્ણ થયું હતું. ત્યારથી, આ નવા મંદિરના ઉદઘાટન સુધી અમે દુબઈ સરકારના આભારી છીએ.
તમને જણાવી દઈએ કે 1958માં દુબઈમાં ભારતીય સમુદાયના માત્ર 6,000 લોકો રહેતા હતા, જ્યારે આજે આ આંકડો 33 લાખ છે. આ લોકો દુબઈને પોતાનું બીજું ઘર માને છે.
શું છે મંદિરની વિશેષતા:
દુબઈના આ નવા મંદિરમાં હિન્દુ ધર્મના 16 દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ મૂર્તિઓની ડિઝાઇન મંડલાથી પ્રેરિત છે. મંદિરના આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ સુભાષ બોઈટે તેમના 45 વર્ષના અનુભવનો ઉપયોગ કરીને આ મંદિરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
મંદિરમાં QR કોડ એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને લગભગ બે લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી. આ વર્ષના અંત સુધીમાં, એક વિશેષ સમુદાય કેન્દ્ર હશે જ્યાં પ્રાર્થના, લગ્ન, નામકરણ જેવા હિન્દુ કાર્યક્રમો યોજાશે. મંદિરના પહેલા માળે એક પ્રાર્થના હોલ હશે, જ્યાં હિન્દુઓના 16 દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવશે. આ સાથે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને રાખવા માટે એક અલગ રૂમ પણ હશે. આ વિસ્તારોમાં 4,000 ચોરસ ફૂટનો બેન્ક્વેટ હોલ, એક મલ્ટીપર્પઝ હોલ અને નોલેજ હોલનો સમાવેશ થાય છે, જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. કોમ્યુનિટી હોલ અને નોલેજ હોલમાં એકથી વધુ એલસીડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.