રાજયમાં હાલ અપૂરતા વરસાદને લીધે પાણીની મોટી તંગી સર્જાઇ છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો મનપા કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા પાણીની ગેરકાયદેસરની ચોરી કરીને તેનો બેફામ વપરાશ કરે છે, સરકારે આવા લોકો પર હવે ડંડો ઉગામ્યો છે. પાણીનો કરકસરયુકત્ત ઉપયોગ થાય અન તેની ચોરી અટકાવવા માટે શુક્રવારે રાત્રે ગુજરાત વિધાનસભામાં મહત્વનો ખરડો ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) પસાર કરવામાં આવ્યું હતુ. આ ખરડા હેઠળ દરેક ઘરે પાણીના મીટરો પણ લાગી જશે. આ વિધેયક દ્વારા મનપા , સ્થાનિક સત્તામંડળો અને ગાંધીનગરમાં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને પણ સત્તા આપવામાં આવી છે.
ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) ખરડા પરની ચર્ચાનો જવાબ આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાઍ કહયું હતું કે કમનસીબે, કેટલાક લોકો વપરાશકારો દ્વારા પાણી અનઅધિકૃત રીતે મેળવી લેવામાં આવી રહ્યું છે અથવા જો અધિકૃત જોડાણ છે તો જરૂરિયાત કરતા વધારે પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. ઍવા ઘણા ઉદાહરણો છે કે, જેમાં પાણીની વિતરણ વ્યવસ્થાની છેડછાડને કારણે નુકસાન થતા સમગ્ર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી હોય. પરિણામે, અંતિમ વપરાશકર્તા પાણીથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઍટલે પાણીનો કરકસરયુકત્ત વપરાશ થાય તે આ ખરડો વિધાનસભામાં લાવવામાં આવ્યો છે.
ખરડાની મુખ્ય જોગવાઇ
કોઈપણ વ્યક્તિ કે જેના દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે કે અનઅધિકૃત રીતે પાણી મેળવવામાં આવે તે વ્યકિત આ કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. આ ઍક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ અને ઉપયોગ અન્વયે દંડ અને થયેલ નુકસાનની ભરપાઈની જોગવાઈ કરવામાં આવેલ છે. સાથે સાથે આ ઍક્ટમાં પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. આ વિધેયક દ્વારા પાણીના ઘર વપરાશ બાબતે થઇ રહેલ અનઅધિકૃત પ્રવૃતિઓ પર રોક લાગશે
સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત કરાયેલ ઍજન્સી દ્વારા તેમના સંલગ્ન અધિકારક્ષેત્રમાં આવતી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાનું સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સત્તામંડળોનો સત્તાધિકાર તેમની સ્થાનિક લિમિટ સુધી જયારે બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડને સંપૂર્ણ રાજ્યમાં આવી વ્યવસ્થા કરવાની સત્તા મળે છે.
પાણી વપરાશ જવાબદારી પૂર્વક થાય તે માટે સ્ત્રોત ઉપર મીટરિંગ તેમજ સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાની ઑડિટિંગની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ જોગવાઇથી દરેક જાહેર પાણી વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ પાણીના ચોક્કસ હિસાબ થવાથી પાણી વિતરણની કાર્યક્ષમતામાં સુધારો થશે.
ખરડાની કલમ ૧૦ માં ઍવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે કે જે પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન દાયક છે અથવા પાણી ચોરીને લગતું છે. આવી જોગવાઇઓનો કોઇ ભંગ કરે તો તેના માટે જેલની સજા અથવા દંડ, અથવા બંન્નેની સજા થઇ શકે તેવી જોગવાઇઓ કરવામાં આવી છે.અલગ-અલગ પધ્ધતિ અને હેતુ માટેની અલગ-અલગ -માણમાં જેલની સજા-જોગવાઇઓના ભંગ માટે સજા અને દંડની રકમની જોગવાઈઓ આ વિધેયકમાં કરવામાં આવી છે.
આવી જોગવાઈઓ ટૂંકમાં નીચે મુજબ છે.
ગંભીર પ્રકારના ગુના જેવા કે પાણી વિતરણ વ્યવસ્થાને નુકશાન, નાશ કરવુ, પાણીના પ્રવાહને ખોરવવો કે અવરોધવો માટે ૦૩ માસથી ૦૨ વર્ષ સુધીની જેલની સજા અથવા રૂપિયા ૨૦ હજારથી રૂપિયા ૧ લાખ સુધીના દંડની કે બન્ને સજાની જોગવાઇ કરવામાં આવેલ છે.
અનઅધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવવું, મંજુર થયેલ જથ્થા કરતા વધુ પાણી, વ્યવસ્થામાં ચેડા કરીને મેળવવા માટે રૂપિયા 3000 થી રૂપિયા 5000 સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.
ગુનાઓમાં મદદગારી માટે જે તે ગુનાઓની સજા જેટલી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
આવા ગુનામાં સંડોવાયેલ અધિકારી કે કર્મચારીઓને જે તે ગુનાની સજાની બે ગણી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે આવા ગુના માટે નક્કી કરેલ રકમ લઇને ગુનો સમાધાન કરવાની પણ જોગવાઇ કરી છે.