નિર્ભયાને આખરે 7 વર્ષ પછી ન્યાય મળ્યો છે. નિર્ભયાના ચારેય દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ચારેય મૃતદેહો લગભગ 30 મિનિટ સુધી ફાંસીના માંચડા ના પાટિયા પર લટકાવી રાખવામાં આવ્યા. ડોકટરોએ 6 વાગ્યે તેના શરીરની તપાસ કરી. મેડિકલ ઓફિસર દ્વારા ચારેય દોષી પવન, અભય, મુકેશ અને વિનયને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ જેલ અધિક્ષકે બ્લેક વોરંટ પર સહી કરી અને જણાવ્યું કે ચારેયને ફાંસી આપવામાં આવી છે. આ પછી, કોર્ટના આદેશ અને ડેથ સર્ટિફિકેટ સાથે બ્લેક વોરંટ જોડીને આ કાગળો કોર્ટને મોકલવામાં આવશે.
હવે ચારેય મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરીને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં ચારેય મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાશે. ડોક્ટર બી.એન.મિશ્રા મૃતદેહોનું શબપરીક્ષણ કરશે. પોસ્ટ મોર્ટમ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, પરિવારે હજુ સુધી મૃતદેહ લેવાની વાત કરી નથી. જો પરિવારજનો મૃતદેહ નહીં લે તો પોલીસ તેમને અંતિમ સંસ્કાર કરશે.
જણાવી દઈએ કે 16 ડિસેમ્બર, 2012 ના રોજ થયેલા એક મહિલા પર થયેલા ગેંગરેપ અને હત્યાના કેસમાં ચારેય દોષીઓને શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી. જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આ માહિતી આપી હતી. આ કેસના ચાર દોષિતો જેમણે આખા દેશની આત્માને હચમચાવી નાખી હતી. મુકેશસિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષયકુમાર સિંઘ (31) ને સવારે 5.30 વાગ્યે તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ સંકુલ તિહાર જેલમાં ચાર દોષીઓને પ્રથમ વખત સાથે ફાંસી આપવામાં આવી હતી. ફાંસીની સજા ન થાય તે માટે ચારેય દોષિતોએ તેમના તમામ કાનૂની વિકલ્પોનો પૂર્ણ ઉપયોગ કર્યો હતો અને ગુરુવારે રાત સુધી આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં આ દોષિતોને દોષી ઠેરવ્યા પછી સજાની ફાંસીની તારીખ ત્રણ વાર નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફાંસી મુલતવી રાખવામાં આવી હતી. આખરે આજે સવારે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવી.