નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે ગુજરાત રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. નિસર્ગ વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતિ પર આખી રાતભર ચાપતી નજર રાખવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, તમામ મુખ્ય કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ રીતે કાળજી રાખવામાં આવી રહી છે.
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ વરતાઈ રહી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે આજે સવારે જણાવ્યું હતું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં દરિયા કાંઠેથી 50000થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વીજ પુરવઠાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. દક્ષીણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની 15 ટીમો, એસડીઆરએફ ની 6 ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે. ભારે પવનની સંભાવનાને પગલે વાપી અને સુરતની આસપાસના વિસ્તારોના કેમિકલ ઉદ્યોગો સાથે જિલ્લા વહીવટી તંત્રે વિચારણા કરીને સલામતી માટે પૂરતા પગલાં લીધા છે. વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ઝીંગા ફાર્મ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમીકોને પણ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
ક્લેક્ટરે ઓડિયો મેસેજ થકી સાવધાની રાખવા સૂચના આપી
સુરત ક્લેક્ટર ડો. ધવલ પટેલે ઓડિયો મેસેજ થકી માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે શહેરમાં અને દરિયા કાંઠાના વિસ્તારોમાં 70થી 90ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. જેથી લોકોએ સાવધાની રાખવી હિતાવહ છે. સુરત દરિયાકાંઠા વિસ્તારના અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. લોકોએ ઝાડ નીચે ન ઉભું રહેવાથી લઈને ઘરના બારી બારણા બંધ રાખવા સહિતની તમામ બાબતોની તકેદારી રાખવા માટે સૂચના આપી છે.
સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં 236 જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ સલામતીના કારણોસર ઉતારી લેવામાં આવ્યા છે. 120થી વધુ હાઈ માસ્ટ લાઈટને નીચે ઉતારી લેવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના તમામ ખાતાઓ જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરની સંભાવનાવાળા વિસ્તારોમાં 250 થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી છે. 250થી વધુ એમ્બ્યુલન્સ આ વિસ્તારોમાં તૈયાર રાખવામાં આવી છે અને 170 જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમો ખડા પગે આ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news