શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે થોડા જ દિવસો બાકી છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટશે. ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓના ઘોડા પૂર ઉમટશે. સોમનાથ જ નહીં પરંતુ નાના મોટા દરેક શિવ મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ પહોંચશે. ત્યારે વાત કરીએ ભગવાન શિવના એક એવા મંદિરની, એક એવા શિવલિંગની જેના પર ખુદ દરિયા દેવ જળાભિષેક કરે છે. જી હાં, રસપ્રદ વાત એ પણ છે કે આ શિવલિંગ દરિયામાં ડૂબેલું રહે છે, અને તેના દર્શન કરવા માટે દરિયો રસ્તો આપે ત્યારે જ જઈ શકાય છે.
કેવું છે મંદિર ?
વાત છે ભાવનગર જિલ્લામાં આવેલા નિષ્કલંક મહાદેવની. ભાવનગરથી 24 કિલોમીટર દૂર આવેલા કોળિયાકના દરિયામાં આ મહાદેવનું મંદિર બનેલું છે. મોટા ભાગે આ મંદિર દરિયામાં ડૂબેલું જ રહે છે. જ્યારે જ્યારે દરિયામાં ઓટ આવે ત્યારે જ આ શિલિંગના દર્શન માટે જઈ શકાય છે. નિષ્કલંક મહાદેવ પાસે શ્રાવણ મહિનાની અમાસે અને ભાદરવી અમાસે જબરજસ્ત મોટો મેળો ભરાય છે. અમાસ પર ઓટ હોવાને કારણે જ અહી મેળો ભરાય છે, જેથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે.
ચમત્કાર કે વિજ્ઞાન ?
અહીં સ્થિતિ એવી છે કે કેટલાક સમય સુધી આ મંદિર દરિયાના પાણીમાં જ ડૂબેલું રહે છે. અને કેટલોક સમય માટે દરિયો મંદિર સુધીનો રસ્તો આપે છે. જ્યારે ભરતી આવે ત્યારે મંદિરની ધજા જ કિનારેથી જોઈ શકાય છે, પરંતુ જ્યારે ઓટ આવે ત્યારે લોકો છેક મંદિર સુધી પહોંચીને પૂજા અર્ચના કરી શકે છે. જો કે આ કોઈ ચમત્કાર નથી. દરિયાના ભરતી ઓટના કારણે આ સ્થિતિ સર્જાય છે.
આવી છે માન્યતા
માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ કલંક ધોવા માટે આ દરિયા કિનારે સ્નાન કર્યું હતું, પરિણામે આ જગ્યાનું નામ નિષ્કલંક પડ્યું. અને અહીં પાંડવોએ સ્થાપેલા પાંચ શિવલિંગ છે. માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધમાં પાંડવોના હાથે કૌરવો સહિત અને સગાના મોત થયા હતા. આખરે યુદ્ધ થયા પછી પાંચેય પાંડવોએ વિચાર્યું કે કલંકને કેવી રીતે દૂર કરવું. સલાહ લેવા માટે પાંચેય પાંડવોએ દુર્વાષા ઋષિ સાથે મુલાકાત કરી. દુર્વાસા ઋષિએ પાંડવોની વાત સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે દરિયા કિનારે ચાલતા જાવ.
જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા સફેદ થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે. બસ પછી તો પાંડવો ચાલતાં ચાલતાં જ્યારે ભાવનગરના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈ ગયો. અહીં પાંડવોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી. જે બાદ શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યાં. પાંડવોએ શિવને રજૂઆત કરી કે તમે અમને દર્શન આપ્યા છે તેનો પુરાવો પણ અહીં રાખો. એટલે જવાબમાં ભગવાન શિવે પાંચેય પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો, આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઊતર્યું છે તેથી આ જગ્યા ‘નિષ્કલંક’ નામે ઓળખાશે. જો કે આ આખીય ઘટના માન્યતા છે.
કેવી રીતે પહોંચશો ?
કોળિયાકનો દરિયાકિનારો જ્યાં નિષ્કલંક મહાદેવ આવેલું છે તે ભાવનગર શહેરથી 24 કિલોમીટર દૂર છે. એટલે તમે ગુજરાતના કોઈ પણ શહેરથી બસ કે ટ્રેન દ્વારા ભાવનગર પહોંચી શકો છો. ભાવનગરના બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનથી તમને કોળિયાક સુધીની બસ કે પ્રાઈવેટ વાહન દ્વારા કોળિયાક સુધી પહોંચી શકો છો. જો કે જતા પહેલા ચેક કરી લેજો કે તિથિ કઈ આવે છે, કારણ કે જો તમે ઓટ સિવાયના સમયે જશો તો તમારે દૂરથી જ દર્શન કરવા પડશે. ભરતીને કારણે તમે મંદિર સુધી નહીં પહોંચી શકો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.