નોટબંધી પછી 2000 અને 500 રૂપિયાની નોટોનું ચલણ બહુ વધી ગયું છે. આ મોટી નોટો માર્કેટમાં આવવાથી તેની નકલી નોટો આવવાનો ભય પણ વધી ગયો છે. આ નકલી નોટો એવી રીતે બનાવવામાં આવેલી હોય છે કે તેને ઓળખવી બહુ અઘરી હોય છે. આ કારણે લોકોએ ઘણું નુકસાન સહન કરવું પડે છે. લોકોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે સરકાર એક ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. સરકાર એક એવી એપ લાવવાની તૈયારી કરી રહી છે જેનાથી નકલી નોટોની ઓળખ કરી શકાશે. આ એપ્લિકેશન બનાવવાની જવાબદારી RBIને સોંપવામાં આવી છે.
એપ બનાવવા માટે એજન્સી પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ
મીડિયા અહેવાલો અનુસાર નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, નકલી નોટોની ઓળખ માટે એપ્લિકેશન બનાવવા માટે એજન્સીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અધિકારીનું કહેવું છે કે, એજન્સીની પસંદગી થતાં જ એપ્લિકેશન તૈયાર થવાની જાણકારી મળી જશે. એકવાર એપ્લિકેશન તૈયાર થઈ જાય પછી કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા આ એપ્લિકેશનની મદદથી બનાવટી ચલણી નોટો ઓળખી શકશે.
દૃષ્ટિહીન લોકો માટે પણ નવી એપ બની રહી છે
ભારતીય રિઝર્વ બેન્ક નકલી નોટ ઓળખવાના હેતુથી દૃષ્ટિહીન લોકો માટે પણ એક ખાસ એપ્લિકેશન બનાવી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર દૃષ્ટિહીન લોકો માટે બની રહેલી આ એપમાં પણ નકલી નોટોની ઓળખની સુવિધા પૂરી પાડવામાં આવશે. દૃષ્ટિહીન લોકો માટે બની રહેલી આ એપ જણાવશે કે આ નોટ ભારતીય છે કે નહીં અને તે કેટલા રૂપિયાની છે.
માહિતી અનુસાર દૃષ્ટિહીન લોકો માટે બની રહેલી એપમાં ચલણી નોટને કેમેરા સામે રાખી તે ચલણી નોટની રકમ બોલવાથી તેની કિંમતની જાણકારી મળી જશે. આ સાથે એક એવી સિસ્ટમ પણ બનાવવામાં આવી રહી છે જે દૃષ્ટિહીન લોકો સાથે બહેરા લોકો માટે પણ આ એપ ઉપયોગી બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.