શું આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની આટલી સરકારી સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર- આંકડો જાણીને ચોંકી જશો

ગુજરાત(Gujarat): યુનેસ્કોના સ્ટેટ એજ્યુકેશન રિપોર્ટ -2021(UNESCO State Education Report-2021) મુજબ સમગ્ર ભારતમાં 1.10 લાખ સ્કૂલો એવી છે જે ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે અને…

ગુજરાત(Gujarat): યુનેસ્કોના સ્ટેટ એજ્યુકેશન રિપોર્ટ -2021(UNESCO State Education Report-2021) મુજબ સમગ્ર ભારતમાં 1.10 લાખ સ્કૂલો એવી છે જે ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે અને જેમાં ગુજરાતમાં 1275 પ્રાથમિક સ્કૂલો એવી છે કે જેમાં એક જ શિક્ષક છે અને તે એક જ શિક્ષક વિધાર્થીઓને અભ્યાસ કરાવે છે. ગુજરાત સરકારના આંકડા મુજબ 32 હજારથી વધારે સરકારી પ્રાથમિક સ્કૂલો છે અને સરકારના દાવા મુજબ 700થી વધુ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એક જ શિક્ષક છે. માનવ અધિકાર આયોગે પણ નોંધ લીધી છે કે, ગુજરાત સરકાર પાસે એક જ શિક્ષક હોવા મુદ્દે ખુલાસો માંગ્યો છે.

યુનેસ્કો દ્વારા તાજેતરમાં નો ટીચર, નો ક્લાસ – સ્ટેટ ઓફ ધ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઈન્ડિયા 2021 નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતની તમામ પ્રકારની સ્કૂલોમાં ક્લાસૃમની સ્થિતિ, શિક્ષકોની સંખ્યા, શિક્ષકોની લાયકાત સહિતની તમામ બાબતો અંગે કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર મુજબ સમગ્ર દેશમાં 15,51,000 સ્કૂલોમાંથી 1,10,971 સ્કૂલોમાં માત્રને માત્ર એક જ શિક્ષક છે અને જેમાં રાજ્યવાર અપાયેલા આંકડા મુજબ ગુજરાતમાં કુલ 54581 સ્કૂલોમાંથી 1275 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક છે.

એટલે કે 1275 સ્કૂલોનો સમાવેશ સિંગલ ટીચર સ્કૂલોની શ્રેણીમાં થાય છે. જેમાંથી 87 ટકા તો ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખરેખર શિક્ષકોની વધારે પ્રમાણમાં જરૂર હોય ત્યાં જ એક શિક્ષકથી ચાલે છે. આ રિપોર્ટ મુજબ રાજ્યમાં કુલ 4,01,939 શિક્ષકો છે, જેમાંથી 66 ટકા ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાતની બે ટકા સ્કૂલોમાં એક જ શિક્ષક છે અને જે અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. કારણ કે, દેશમાં સૌથી વધુ 21 હજાર સ્કૂલો મધ્યપ્રદેશમાં ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, બિહાર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક સહિતના રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ ખૂબ જ મોટી સંખ્યામાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓ છે.

ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, શું શાળામાં ફક્ત એક જ શિક્ષકથી તમામ વિધાર્થીઓને પુરતું શિક્ષણ મળી રહેશે? આ પરથી જોતા તો એવું લાગી રહ્યું છે કે, ગુજરાતના બાળકોનું ભવિષ્ય ખતરામાં હોય… શું આ મુદ્દા અંગે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહિ? તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *