પ્રતિ શ્રી,
મુખ્યપ્રધાન, “સંવેદનશીલ” વિજય રૂપાણી,
જયહિન્દ સાથ તમને જણાવવાનું કે હાલમાં દેશમાં કોરોના ની આફત નહી પણ અવસર ચાલી રહ્યો હોય એમ આપશ્રીની સરકાર કામ કરી રહી છે. લોકોની માનસિકતા ન બગડે તે માટે આ વાત સારી કહી શકાય પણ જો આવુંને આવું રહ્યું અને સરકારી તંત્ર સરખી રીતે કામ નહી કરે તો ગુજરાતનું ધનોત પનોત નક્કી છે.
આપશ્રીએ ગત અઠવાડીએ એક અભિયાન શરુ કર્યું. આ પહેલા 1 મે ના રોજ ગુજરાતીઓને સંકલ્પ લેવડાવ્યા. આપે પણ કદાચ કોઈ સંકલ્પ લીધો હશે. આપ જાણો જ છો કે ગુજરાત મોડેલ સફળ થવા પાછળ ગુજરાતીઓની અથાગ મહેનત, પરપ્રાંતીય મજૂરોની મજુરી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની પ્રસંશનીય કામગીરી રહી છે. આનંદીબેનની કમનસીબીએ તેમને તેમની ખુરશી છોડાવી અને તેમની ખુરશી તમને મળી, ત્યારબાદ તમારે શ્રેષ્ઠ કામગીરી કરવાનો સમય તમને મળ્યો, કદાચ તેમાં તમે પાસ પણ થયા હશો. પરંતુ જયારે તમારી ફાઈનલ પરીક્ષા(કોરોના મહાઅવસર) આવી ત્યારે તમને શાળાએ બાળક લેશન લઈને ન આવે ને જેવા બહાના બનાવે એવા કારણો આગળ ધરીને કાયમ જવાબદારીમાંથી છટક્યા છો. આપ આ આફતને અવસર જ ગણવાના હોય તો મારી કેટલીક રજૂઆત અને ફરિયાદ ધ્યાને લેજો,
હવે આ કોરોના અવસરમાં ગુજરાતમાં આવેલી કોરોનાની જાનમાં તમે જ જો કોરોનાધારી મહેમાન કોણ છે તે નહી જાણતા હોવ તો આ મહેમાનો તો કેટલાય વણનોતર્યા મહેમાનો લેતા આવશે- કેમ કે આ મહેમાન તો ઝોમ્બી જેવો છે. જેટલાને અડે એટલાને થાય. આટલા બધાનો જમણવાર ગુજરાત કેવી રીતે કરી શકશે? સાડા છ કરોડની જનતામાંથી આ કોરોના અવસરની જાનમાં કોણ કોણ આવ્યા છે, તેની તપાસ તો આ જાનૈયાઓનો ટેસ્ટ થાય તો જ ખબર પડે. જે ગુજરાતમાં હજી સુધી માત્ર ૨.૦૧ લાખ જ થયા છે. ગુજરાત જેટલા જાનૈયાઓ(પોઝીટીવ કેસ)ની ગણતરી માંડીએ તો તેની સરખામણીમાં તામીલનાડુમાં ૪.૬૭ લાખ ટેસ્ટ થઇ ચુક્યા છે. ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ છે તે તો તમે કયારેય કોઈને કહ્યું જ નહી. (આ વાત આપડે બે વચ્ચે જ રાખીએ, હું કોઈને નહી કવ.) તમે તો માત્ર રીકવરી રેટના આંકડા બતાવીને પ્રધાનમંત્રી મોદીને ખુશ કરી રહ્યા છો. પણ તેઓએ થોડુ આ અવસરમાં હાજરી આપવા આવવાનું છે?
મારી આ વાત હાસ્યાસ્પદ જરૂર લાગશે પણ આ વાતો કડવી હકીકત છે અને તે તમારે સ્વીકારવી જ પડશે. આટલી વેદના એટલે છે કે ગઈકાલે જ મેં સુરતમાં મસમોટું જાહેરાતનું બોર્ડ જોયું. જેમાં તમે સુરતીઓને કોરોના વોરિયર બનવાની જાહેરાત આપી છે. આ જાહેરાતમાં કદાચ એમ માહિતી હોત કે કોરોના ની અસર દેખાય તો ક્યાં વિનામૂલ્યે ટેસ્ટ થશે તેની માહિતી હોત તો મને અને કેટલાય સુરતીઓને ખુશી હોત. કદાચ એ ન ભુલવું જોઈએ કે તમને કોરોના સારવાર માટે હજારો લાખો ગુજરાતીઓએ ફંડ આપ્યું છે. તે દર્દીઓની સારવાર માટે આપ્યું છે. આવી કંકોતરીઓ કરાવવા માટે નહી. તાત્કાલિક આવા તાયફાઓ બંધ કરીને માસ ટેસ્ટીંગ કરવામાં નહી આવે તો આ કોરોના અવસરની જાન એવડી મોટી થઇ જશે કે, તમેં જ વિચારી નહી શકો કે જમાડવાનું શરુ ક્યાંથી કરવું અને પૂરું ક્યાંથી કરશો.
છેલ્લે તો એટલું જ કહેવું છે, તમે ગુજરાતના બાપ છો, જાનૈયાઓની ચિંતા તમારે જ કરવી પડશે, નહિતર નીચા જોયું તો કન્યાના બાપનું જ થાય છે એ કદાચ તમે જાણતા જ હશો. જાજુ નથી કહેવું. અને વિનંતી છે કે મારી આ ફરિયાદ વાંચીને જાનૈયાઓને ગોતવા માસ ટેસ્ટીંગ કરજો, મને રાજદ્રોહી ના ઠેરવતા.
આભાર. જય હિન્દ, ભારત માતા કી જાય!
ગુજરાતીઓનો શુભ ચિંતક અને આપનો
શુભચિંતક: વંદન ભાદાણી