મુસ્લિમ પરિવારનો માનવતાવાદી નિર્ણય… બ્રેઇનડેડ યુવકના મૃત્યુથી કેટલાયને મળશે નવજીવન

હાલ અમદાવાદ (Ahmedabad)માંથી વધુ એક પરિવારે માનવતા મહેકાવી છે. તેમજ કોમી એકતાનો સંદેશ પણ પૂરો પાડ્યો છે. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ(brain dead) પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન(organ donation) કરવામાં આવ્યું છે.

તબીબોએ દ્વારા રૂબેન શેખને બ્રેઇનડેડ જાહેર કર્યો:
મળતી માહિતી અનુસાર, 35 વર્ષીય શેખ રૂબેનભાઈ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહે છે. તેઓને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 16 ઓક્ટોબરના રોજ તબીબો દ્વારા તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલના તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. જેને પગલે આ મુસ્લિમ પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો.

મુસ્લિમ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો:
આ મુસ્લિમ પરિવારનું કહેવું છે કે, ‘પોતાના દીકરાનાં અંગો અન્ય કોઈપણ સમાજના વ્યક્તિ જે પીડિત અને જરૂરિયાતમંદ હોય તેને મળે તો આનાથી પુણ્યનું કામ બીજુ શું હોઈ શકે’. આવું વિચારી તેમણે અંગદાનનો નિર્ણય કરી માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરી છે. અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ રૂબેનભાઈના અંગોને રીટ્રાઈવલ માટે લઈ જવામાં આવ્યા. જ્યાં પાંચથી છ કલાકની જહેમતના અંતે બે કિડની અને એક લિવરનું દાન મળ્યું છે.

કોમી એકતાનું પ્રતીક સમું આ અંગદાન બની રહ્યું:
અંગદાનમાં મળેલ અંગોમાંથી કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ ઇન્સ્ટિટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ અંગે અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, બ્રેઈનડેડ રૂબેનભાઈના અંગદાનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 93 અંગદાન થયા છે. જેમાં અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાનની આ પ્રથમ ઘટના છે. આ અગાઉ કચ્છના એક મુસ્લિમ પરિવારે પણ અંગદાન કર્યું હતું. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ કોમી એકતાનું પ્રતીક સમું આ અંગદાન બની રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *