સુરત શહેરમાં ફરી એક વાર “અંગદાન મહાદાન” નું સૂત્ર સાબિત થયું છે. ફરી એકવાર સુરત શહેરમાં સફળ અંગદાન થયું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા દીકરાના લીવર અને બે કિડનીનું દાન કરીને માનવતા મહેંકાવી છે.
સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના કીમ વિસ્તારમાં રહેતા (મૂળ.પીપરાળી, તા.ઉમરાળા, જિ. ભાવનગર) 30 વર્ષીય સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરી રહ્યા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલવતા હતા.
સુનિલભાઈ તારીખ 27 મેં ના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા આર્યન સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. તેથી સુનિલભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તારીખ 30મેં ના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન આપવાનું નક્કી કર્યું હતું.
પરિવારના લોકોએ અંગદાન માટે સંમતિ આપતા જણાવ્યું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પરંતુ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો અંગદાન માટે તમે ખુશીથી આગળ વધો. સ્વજનના અંગોના કારણે અન્ય લોકોને જીવનદાન મળશે.
ચૌહાણ પરિવાર આવી દુઃખદ ઘડીમાં પણ અંગદાનનો નિર્ણય કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. ચૌહાણ પરિવારની સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. અમદાવાદમાં આવેલી IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ બ્રેઈનડેડ યુવકની બે કિડની અને લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ ગયા છે.
આ સાથેજ સુરત સિવિલમાં 20મું સફળ અંગદાન થયું હતું. અંગદાનના આ સેવાકીય કાર્યમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, સુરત પોલીસ, તબીબી અધિકારીઓ, સોટો ટીમ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.