કચ્છ | માંડવી બીચ પર ફરવા આવેલા પ્રવાસી માટે પેરાગ્લાઇડીંગની મજા બની મોત; જાણો સમગ્ર મામલો

Mandvi Beach: હજુ ગઈકાલે જ બેઠક બોલાવીને વહીવટી તંત્રએ પાબંદી ફરમાવી હોવા છતાં માંડવીના દરિયાકિનારે ચાલુ રહેલી રાઈડ્સોનો મુદ્દો આજે જીવલેણ બનીને સામે આવ્યો છે. પેરાગ્લાઈડિંગ સમયે પંજાબથી આવેલા પ્રવાસી આર્મીમાંથી નિવૃત્ત(Mandvi Beach) બલવંતાસિંહનું ઊંચાઈએથી પટકાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવતાં રાઈડ્સના લાયસન્સ સહિતની ભૂમિકાનો મુદ્દો સપાટીએ આવ્યો છે.

સારવાર મળે તે પહેલા મોત
વોટર સ્પોર્ટસ એક્ટિવિટી બંધ કરવા માટે મામલદાર અને પીઆઈની હાજરીમાં તમામને ગુરુવારે સુચના આપવામાં આવી હોવા છતાં શુક્રવારના બપોરના ભાગે પેરાગ્લાઇડીંગ ઉડાડવા માટે જીપથી આગળ જતા પાછળ ઝારખંડના પ્રવાસી બલદેવસિંહ અર્જિતસિંહ (ઉંમર 46) ડેઝેટ બાઈક સાથે અથડાતાં અકસ્માતમાં ઇજાગ્રસ્તને પ્રારંભે સ્થાનિક ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજની કે.કે.હોસ્પિટલમાં રીફર કરાયો હતો, જયાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું. આ યુવાનના સગા-સંબંધીઓ ભુજ એરફોર્સમાં રહેતા હોઇ તે ઝારખંડથી કચ્છ ફરવા માટે આવ્યો હતો.

વોટર સ્પોર્ટસ રાઈડ બંધ કરવાની સૂચનાઓ આપી હતી
આ બાબતે માંડવી પોલીસનો સંપર્ક સાધતાં પીએમ સહિતની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગઈકાલે નાયબ કલેકટર મુંદરા, પોલીસ, મામલતદાર વિગેરેની ટીમે વોટર સ્પોર્ટસ રાઈડ બંધ કરવાની સૂચનાઓ આપી હતી છતાં આવી સૂચનાઓની ગંભીરતા ઉપરોકત ધંધાર્થી દ્વારા નથી લેવાઈ,

જેની સાબિતી આજની જીવલેણ ઘટના પરથી મળી છે. આ ગોઝારા બનાવ અંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે અને ભાજપ પરિવારે માનવ વધની ઘટના જણાવી સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તંત્રની ભયંકર લાપરવાહીના હિસાબે અકુશળ લોકોને તંત્ર દ્વારા પરવાનગી આપી દેવાતાં તેમના દ્વારા નાના-નાના ધંધાર્થીઓ સહિતને કનડગત કરતા હોવાનું ઉમેર્યું હતું.

લેખિત આદેશ આપ્યો હતો છતાં તંત્ર દ્વારા કરવામાં આવી બેદરકારી
નોંધનીય છે કે, પેરાગ્લાઈડિંગ અંગે મકરસંક્રાંતિના દિવસે ભુજનો 23 વર્ષીય યુવાન પણ ચાલકની બેદરકારીના કારણે રપ ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો હતો અને માંડવી બીચ પર પેરાગ્લાઈડિંગ ગાડી ચલાવતા બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ચાર દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત તા. 21 નવેમ્બર 2021ના લેખિત આદેશ આપ્યો હતો છતાં તંત્ર દ્વારા કોઈ જ દરકાર ન લેવાઈ અને જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના કહેવા મુજબ કેટલાક લાયસન્સધારકોને અનુભવ ન હોવા છતાં તેઓને બોટની પરમિશન અપાઈ છે, પણ કેટલાક લોકો આ નિયમમાંથી છટકબારી અપનાવી લેતા હોય છે.