તૌકતે વાવાઝોડાને કારણે ખુબ જ નુકસાન થયું હતું અને તેને ધ્યાનમાં લઈને સરકારે ચુકવવામાં આવેલ સહાયમાં વિસંગતતાના આરોપ કોંગ્રેસે લગાવ્યા છે. સમગ્ર મામલે તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યોની વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યક્રમને મંજુરી નહિ મળી હોવાથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના માથા પર વાગ્યું હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળ્યું હતું.
તૌકતે વાવાઝોડાના નુકસાનીના વળતરમાં અનિયમિતતા અને વિસંગતતા હોવાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે આ મુદ્દે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. જો આ મુદ્દે યોગ્ય ઉકેલ નહિ આવે તો કોંગ્રેસના ધારાસભ્યોએ ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે આજે તેમની રજૂઆત ન સાંભળવામાં આવતા ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમા પાસે જઈને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાંથી હટાવવાની કામગીરી કરતા સમયે પોલીસ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી વચ્ચે ઘર્ષણ થયુ હતું. આ ઘર્ષણમાં પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું અને કપાળ પરથી લોહી નીકળી આવ્યુ હતું.
ગાંધીનગર ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ વિશે ગેનીબેને કહ્યું કે, અમે ગાંધીજીના માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને સહાય મળવી જોઈએ તેને મળતી નથી. સરકાર વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તૌકતે વાવાઝોડામાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે થતા તમામ પ્રયાસો કરીશું.
કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી કાઢીને ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો આ વિશે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે, ઉત્સવો અને તાયફા કરવાની સરકાર જરૂરિયાતમંદ લોકોને લાભ નથી આપતી. લોકોની વાત લઈને કોંગ્રેસ નીકળે તો તેમને પણ આ સરકાર દ્વારા રોકવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.