આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં લોકો પાણીમાં નાહવા પડે અને પાણીમાં ડૂબી જાય છે. અથવા કોઈ નાના બાળકો રમતા-રમતા પાણીમાં પડી જતા હોય છે. આવો જ એક કિસ્સો પાટણ જીલ્લાના સંખારી ગામમાંથી સામે આવ્યો છે જેમાં એક સાથે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા હતા જેમાંથી એક બાળકને બચાવી લેવાયું અને બીજા બેના ડૂબવાથી મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, ત્રણેય બાળકો દાદા સાથે ભેંસોને પાણી પીવડાવવા માટે તળાવમાં ગયા હતા. આ દરમિયાન બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. એક પરિવારમાંથી બે માસૂમ ભાઈ-બહેનના મોતથી પરિવાર માથે જાણે આભ ફાટી નીકળ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.
જાણવા મળ્યું છે કે, સંખારી ગામ ખાતે રહેતા કુરાજી ઠાકોર નામના વૃદ્ધ પોતાની ભેંસોને બપોરના સમયે ગામના તળાવ ખાતે પાણી પીવડાવવા માટે લઇ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે તેમનો એક પૌત્ર અને પૌત્રી તેમજ ભાણેજ પણ હતા. કુરાજી ભેંસોને પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેમનો પૌત્ર અને પૌત્રી તળાવમાં ડૂબવા લાગ્યા હતા.
આ દ્રશ્ય જોઈને કુરાજીના ભાણીયો પણ તળાવમાં બંને બાળકોને બચાવવા કુદી પડ્યો હતો. આ દરમિયાન કુરાજીની નજર પડતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે કુરાજીના પૌત્ર અને પૌત્રી ઊંડા પાણીમાં ડૂબી ગયા હોવાથી તેમને બચાવી શકાયા ન હતા. સંખારી ગામ ખાતે એક સાથે બે માસૂમ બાળકના મોત થવાથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.
જાણવા મળ્યું છે કે, મૃતક બાળકોનાં પિતાનું નામ ઠાકોર પ્રવીણજી છે. એક સાથે માસૂમ ભાઈ-બહેનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે 108ને પણ ફોન કરવામાં આવ્યો હતો. જોકે, બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ આખું ગામ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. આ ઉપરાંત આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.