ગુજરાતમાં મંગળવારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર અને મધ્ય ગુજરાત ભારે પવન ફુંકાયા બાદ ગાજવીજ અને કરા સાથે કમૌસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ભારે પવનને કારણે વૃક્ષો નીચે દબાવાથી અને વીજળી પડવાને કારણે લગભગ 9 લોકોના મોત થયાં છે જ્યારે અનેકને ઈજા પહોંચી હતી. જેને પગલે આજે કેન્દ્ર સરકારે મૃતકો માટે વડાપ્રધાન રાહત ફંડમાંથી રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તને રૂ.50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે વાવાઝોડાને કારણે રાજ્યમાં 9 લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કરી છે, પરંતુ રાજ્ય સરકાર પણ અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે મે આ સંદર્ભમાં સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી દીધી છે.
આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત પહેલા ગુજરાતના મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહી હતી. મોદીએ ટ્વિટ કર્યું કે, “ગુજરાતના વિવિધ ભાગોમાં પડેલા કમૌસમી વરસાદ અને વાવાઝોડાને કારણે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેનાથી હું ખૂબ દુઃખી છું અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું. હાલ તંત્ર આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જે લોકો અસરગ્રસ્ત થયા છે, તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.”
માવઠું અને વાવાજોડામાં અસરગ્રસ્તોને સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. 2 લાખ અપાશે જ્યારે પ્રત્યેક ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂ.50 હજારની સહાય આપવામાં આવશે.
ક્યાં કેટલા મોત:
કમોસમી માવઠાથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ છ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ નજીક બે અને ધ્રાંગધ્રામાં 1નું મોત થયું છે. ઠેર-ઠેર છાપરા ઊડવાના બનાવો પણ નોંધાયા છે. અચાનક પડેલા વરસાદને કારણે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો હતો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદથી કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેની સાથે સાથે ઉનાળું પાકને પણ નુકસાન થયું છે.