ચૂંટણીપંચ ની મનાઈ છતાં PM મોદીના ફોટો વાળી ટિકિટ આપનાર રેલવે ના ચાર કર્મચારી સસ્પેન્ડ

Published on: 6:43 am, Wed, 17 April 19

થોડા સમય અગાઉ આચારસંહિતા લાગવાને કારણે ભારતીય રેલવે દ્વારા રેલવે ટિકિટ પર નરેન્દ્ર મોદી ના ફોટો વાળી ટિકિટ પર મનાઇ ફરમાવવામાં આવી હતી. પરંતુ આ આદેશનું પાલન નહીં કરાતા ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રેલવેના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બારાબંકીના એડીએમ એ આ વાતની જાણકારી આપતા કહ્યું કે ૧૩ એપ્રિલે જ્યારે રેલવેના કર્મચારીઓની શિફ્ટ બદલાય ત્યારે ટીકીટ નો જુનો રોલ કે જેમાં પીએમ મોદીની તસવીર લાગેલી હતી. તેને ભૂલમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ શરૂ છે.

ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ થવાની સાથે જ તમામ સરકારી ઇમારતો અને વસ્તુઓ પર થી પ્રધાનમંત્રી અને તેમની સરકાર થી જોડાયેલા નેતાઓ ની તસ્વીરો હટાવવામાં આવતી હોય છે. આ જ કડીમાં હાઈવે પર લાગેલા મોટા હોર્ડિંગ્સ સહિતની ઘણી જગ્યાઓ પરથી પીએમ મોદીની તસવીરો હટાવી દેવામાં આવી હતી અથવા ઢાંકી દેવામાં આવી હતી. તેમ છતાં લખનઉ થી 30 કિલોમીટર દૂર સ્થિત બારાબંકીમાં એક વ્યક્તિએ શહેરના રેલવે સ્ટેશન પરથી ટિકિટ ખરીદી જેમાં પીએમ મોદીની તસવીર અને સરકારી યોજના ની માહિતી છપાયેલી હતી. જેના કારણે ટિકિટ ખરીદનારે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.

ટિકિટ ખરીદનાર શખ્સ મોહમ્મદ રિઝવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે બારાબંકી થી વારાણસી જવા માટે ગંગા સતલજ એક્સપ્રેસ ની ટિકિટ લીધી હતી. જ્યારે તેમણે ટિકિટ જોઈ ત્યારે તેના પર પીએમ મોદીની તસવીર મોજુદ હતી. મને ખ્યાલ છે કે તમામ જગ્યાએ આચારસંહિતા લાગુ છે. જેથી ટિકિટ પર આ પ્રકારની જાહેરાત યોગ્ય નથી જેથી મેં સુપરવાઈઝર ને આ બાબતે ફરિયાદ કરવાની કોશિશ કરી પરંતુ તેણે મને ધમકાવીને કાઢી મૂક્યો ત્યારબાદ મેં મીડિયાકર્મીઓને જાણકારી અને આ વાત ને જનતા સમક્ષ મૂકી. મોહમ્મદ રીઝવીનો દાવો છે કે, આ પ્રકારની ટિકિટ અન્ય લોકોને પણ આપવામાં આવી છે. જેમણે આ વાતનો વિરોધ કર્યો હતો બુકિંગ ઓફિસ પરના સુપરવાઇઝર એ મીડિયા સાથે વાતચીતમાં બચાવ કરતા કહ્યું કે, અમે આ રોલ ભૂલમાં ઉપયોગ કરી લીધો છે.

જાણકારી અનુસાર લખનઉ ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા મુખ્ય રિઝર્વેશન સુપરવાઇઝર, એક કોમર્શિયલ ઇન્સ્પેકટર અને 2 રિઝર્વેશન ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય વાત એ છે કે 20 માર્ચે રેલવે દ્વારા પ્રધાનમંત્રીની તસવીરો વાળી ટિકિટ પાછી ખેંચી લીધી હતી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ આપવામાં આવી હતી.