દેશમાં ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-diesel prices) આસમાની સપાટીએ પહોચી રહ્યા છે. જેની અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. વિવિધ રાજકીય પક્ષોની સાથે સામાન્ય લોકો પણ સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે. હવે સુપ્રસિદ્ધ વૈશ્વિક નાણાકીય કંપની ગોલ્ડમેન સૈશ(Goldman Sachs)એ કહ્યું છે કે, આવનારા સમયમાં દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર(150 per liter of petrol) સુધી પહોંચી શકે છે.
બ્રેન્ટ ક્રૂડ મોંઘુ થતા ભાવ વધશે:
ગોલ્ડમૅન સૈશએ તાજેતરની નોંધમાં કહ્યું છે કે આવતા વર્ષ સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઑઇલની કિંમત પ્રતિ બેરલ $110 સુધી વધી શકે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $85ની આસપાસ છે. આમ, આગામી વર્ષ સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વર્તમાન ભાવની સરખામણીએ 30 ટકા વધી શકે છે. ગોલ્ડમેન સૈશના તેલ વિશ્લેષકો કહે છે કે, વૈશ્વિક માંગ-પુરવઠો અસંતુલિત બન્યો છે. આ સમયે ક્રૂડની માંગ કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. જેના કારણે આવતા વર્ષે ક્રૂડના ભાવમાં વધારો થવાની ધારણા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગશે:
ક્રૂડના ભાવ વધવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ મોટી અસર પડશે. ગોલ્ડમેન સૈશનું કહેવું છે કે ક્રૂડના ભાવમાં 30 ટકાનો વધારો થવાનો અર્થ એ છે કે ભારતમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 150 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 140 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ શકે છે. હાલમાં રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 107.94 રૂપિયા અને ડીઝલની કિંમત 96.97 રૂપિયા પ્રતિ લીટર છે.
કેમ વધી રહ્યા ક્રૂડ ઓઇલના ભાવ?
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના ઘણા બધા દેશો હવે કોરોના વાયરસનાં સંક્રમણમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે ત્યારે ક્રૂડ ઓઇલની ડિમાન્ડ પણ ખૂબ વધારે થઇ ગઈ છે. હાલમાં દરરોજ 99 મિલિયન બેરલ ઓઇલ વપરાઇ રહ્યું છે જે વધીને 100 મિલિયન બેરલને પાર થઈ શકે છે તેથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઇ શકે છે. ઇંધણના વધી રહેલા ભાવ સામાન્ય જનતાની કમર તોડી નાખશે તેવું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહેલા વધારાને જોતા લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.