ખેડામાં ખાખી વર્દી લજવાઈ- દારૂની મહેફિલ સાથે 3 PIનો બબાલ કરતો વિડીયો વાયરલ

PI’s liquor feast: રાજ્યના પોલીસની ખાખી વર્દી પર દાગ લાગે તેવું કૃત્ય સામે આવ્યું છે. જેમાં ખેડા જિલ્લાના 3 PIનો દારૂની મહેફિલનો(PI’s liquor feast) વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં આ દારૂની મહેફિલ વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ છે અને તેમના વચ્ચે છુટાહાથની મારામારી જોવા મળી રહી છે.

ખેડાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ
ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમા તેઓ દારૂની મહેફિલ માણતા સમયે બબાલ કરતા નજરે ચઢે છે. મળી રહેલી માહિતી અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ તથા યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે. આ ત્રણ PI સિગારેટ અને દારૂની મહેફિલ સાથે બબાલ કરી હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ આપવામાં આવ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. હવે પોલીસ કર્મચારીઓ ખુદ દારૂબંધીના કાયદાને અવગણી રહ્યાં હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યાં છે. ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. જેમા તેઓ દારૂની મહેફિલ માણતા એકબીજાને માર મારતા જોવા મળી રહ્યાં છે.

રાજકોટમાં પણ ખાખીને લાગ્યો દાગ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શુક્રવારે 23 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં પણ એક પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર એક પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા, જ્યા ખબર પડી કે જે પોલીસકર્મી (Policemen) એ આ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં છે. પોલીસકર્મીને નશાની હાલતમાં જોઇ ત્યા હાજર એક શખ્સે આ ઘટનાનો એક વીડિયો (Video) બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.